શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે અને શ્રધ્ધાળુઓ માટે નવિન શરૂઆત કરવામાં આવશે – શ્રી વરૂણકુમાર બરનવાલ
અંબાજી મંદિરનો પ્રસાદ ભાવિક ભકતો કુરિયર દ્વારા ઓનલાઇન ઓર્ડર આપી ઘરે મંગાવી શકશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંબાજી મંદિર ખાતે આયોજિત થનારા વિવિધ કાર્યક્રમો તેમજ અંબાજી મંદિર દ્વારા થનાર નવી બાબતોની શરૂઆત અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા ઉપસ્થિત મીડિયાકર્મીઓને જણાવવામાં આવ્યું કે તા. 22 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પાંચ દિવસ માટે આયોજિત થયેલ વનસેતુ ચેતના યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. જેમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેશે.
જ્યાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તા. 22 જાન્યુઆરીની સાંજે અંબાજી મંદિર ચાચર ચોકમાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને સુવિખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે રામ મંદિર અયોધ્યા ખાતે વિતરણ થનાર પ્રસાદ માઇભક્તોને આપવામાં આવશે.
શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા વધુ વિગતો આપતા જણાવવામાં આવ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. અત્યારે શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન વ્યવસ્થા આપવામાં આવે છે. જે બિલકુલ નિશુલ્ક રહેશે.
તેના માટે કમિટી બનાવવામાં આવશે. નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે દાતાશ્રીઓ પાસેથી દાન પણ લેવામાં આવશે. દાતાશ્રીઓ પાસેથી એક થાળી માટે 51 રૂપિયાનું દાન, એક ટાઈમ માટે 51 હજાર રૂપિયાનું દાન, સમગ્ર દિવસ માટે 1,11,000 રૂપિયાનું નું દાન આપી શકશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ હવે માઇભક્તો અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઇન મંગાવી શકશે. ઓનલાઇન ચુકવણી કરી તેઓ ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ કુરિયર દ્વારા મેળવી શકશે.
શ્રી વરુણકુમાર બરનવાલે મીડિયાને વધુ માહિતગાર કરતા જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં યોગ્ય રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય એ માટે ૧ ફેબ્રુઆરીથી શક્તિદ્વારની સામેના મંદિર હસ્તકના પાર્કિંગ પ્લોટમાં ઓટોમેટીક બુમ બેરિયર અને ફાસ્ટ ટ્રેક સુવિધાથી યુક્ત પાર્કિંગ ફેસીલીટી શરૂ કરવામાં આવશે.
જેનાથી યાત્રિકોને મળતી સુવિધામાં વધારો થશે. અંબાજી ખાતે અંબિકા ભોજનાલયની પાછળ જુના ભોજનાલયની જગ્યાએ ટૂંક સમયમાં જન ભાગીદારીથી નવા મલ્ટીપર્પજ ડોમ બનાવવામાં આવશે. જ્યાં ભોજનાલયની પણ વ્યવસ્થા હશે. જે ભાદરવી પુનમ જેવા ઉત્સવ સમયે તથા અન્ય બાબતોમાં ઉપયોગી થશે.
મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી વરૂણ કુમાર બરનવાલે જણાવ્યું કે અંબાજી મંદિર દ્વારા ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને રોજગારી મળી રહે એવા શુભ આશયથી તેમની બનાવેલી ચીજ વસ્તુઓ જેવી કે અગરબત્તી, કાપડમાંથી બનાવેલ કેરી બેગ વગેરેનું વેચાણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવામાં આવશે.
જેનું વેચાણ મંદિરના ધાર્મિક સાહિત્ય કેન્દ્ર અને ચાચર ચોક ખાતેથી કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે યાત્રાધામ અંબાજીમાં વપરાયેલ પ્લાસ્ટિક બોટલનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ થાય એ રીતે બોટલ ક્રશર મશીન ઉપયોગ કરવામાં આવશે. જેનાથી પ્લાસ્ટિક પ્રદૂષણ થતું પણ અટકશે અને સ્વચ્છતા જળવાઈ રહેશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી