શિહોર એટલે છોટે કાશી જ્યાં નવનાથ મહાદેવના બેસણા છે એવી પવિત્ર નગરીમાં ભગવાન શિવના અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે જેમનો ખૂબ મહિમા છે. આ નવનાથ મહાદેવના મંદિરોનું મહત્વ વધે તેમ જ લોકોમાં ધાર્મિક ભાવના જળવાઈ રહે તે આશય સાથે આ નવનાથયાત્રા યોજવામાં આવી હતી.
સાતમના દિવસે બપોરે બે કલાકે મુક્તેશ્વર મહાદેવના મંદિરે ભગવાન શિવની મહાઆરતી કર્યા બાદ સાધુ સંતોના હસ્તે આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સમૂહ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પસાર થઈ હતી અને શ્રધ્ધાળુઓએ ભક્તિમય વાતાવરણમાં સંગીતના નાદ સાથે નવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. નવનાથ યાત્રા દરમિયાન શિવ તાંડવે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ નવનાથ યાત્રાના અંતે મુક્તેશ્વર મહાદેવ મંદીરના પટાંગણમાં ધર્મસભા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં પ્રખર ભજનીક સ્વ.લક્ષ્મણભાઈ બારોટ તેમજ ધર્મજાગરણ સમન્વયના કાર્યકર્તા સ્વ.બાબુભાઈ કાપડીને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ ધર્મસભા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અંબિકા આશ્રમના મહંત પ.પૂ. રમજુ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલ સાધુ સંતોએ આ ધર્મ સભામાં આશીર્વચનો પાઠવ્યા હતા.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર