Latest

જામનગરમાં જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

જામનગર ખંભાળિયા હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા અને જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ સાથે ૯ જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી- અનામી સ્વાતંત્ર્યસેનાનીઓને હું કોટિ-કોટિ નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં યત્કિંચિંત યોગદાન આપ્યું છે.

આજના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરુપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી.

આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. તેની પ્રસ્તાવના – “આપણે, ભારતના લોકો” શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે.

સ્વતંત્રતાના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવ્યો. ગત વર્ષે ૨૬ જાન્યુઆરીએ, આપણે આપણા પ્રજાસત્તાકની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી. આ પ્રકારની ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસ-યાત્રાનું સ્મરણ કરાવે છે.

રાષ્ટ્ર-નિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વવંદનીય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશ સલ્તનતને ઝુકાવી, સમગ્ર વિશ્વને પ્રેરણા પુરી પાડી. જ્યારે સરદાર પટેલે મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. આઝાદીના જંગમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા અનેક ક્રાંતિકારીઓએ પ્રાણની આહુતિ આપીને આપણને આ મહામૂલી આઝાદીની ભેટ ધરી.

સશસ્ત્ર સંગ્રામ દ્વારા ભારત-મુક્તિના પ્રયત્નો કરનારાઓમાં ગુજરાતી ક્રાંતિકારીઓના ” આદ્ય’ કહી શકાય એવા ત્રણ નામ એટલે પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામા. આ મહાપુરુષોની શૌર્ય –ગાથા આપણા રાષ્ટ્ર સર્વોપરીના સંસ્કારને વધુ મજબુત બનાવવાની પ્રેરણા આપે છે.

આ ભૂમિ શૌર્યની ભૂમિ છે. છોટીકાશી તરીકે જાણીતું જામનગર જામસાહેબના શૌર્ય, ભૂચરમોરીનું સ્મારક પોતાની ભૂમિની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોના સમર્પણનું પ્રતીક છે. સૌરઊર્જાના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે આપણું જામનગર કારણ કે ૯૦ વર્ષ પહેલા જામ રણજિતસિંહજીએ ભારતનું એકમાત્ર સોલેરિયમ જામનગરમાં બનાવ્યું હતું. તો પોલેન્ડના બાળકોને આશરો આપી આશરાધર્મને સાકાર કર્યો હતો.

આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું.

ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણથી વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. ખુશહાલ ગુજરાતના ખુશહાલ ખેડૂતો આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવતા લોકો દેશ અને રાજ્ય માટે સાચી મૂડી સમાન છે. સ્વસ્થ અને સુરક્ષિત નારી સામાજિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપે છે. સમાન્ય માનવીને શક્ય તેટલા વધુ મદદરૂપ થવુએ સુસાશનની સાચી દિશા છે.

ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચિંધી શકે છે. આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવામાં અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવામાં વિશ્વને નેતૃત્વ પૂરુ પાડવા સક્ષમ છીએ.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન સાથોસાથ ખેડૂતોને પણ ખુશહાલ બનાવી સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. ટેકનોલોજિકલ વિકાસના પગલે સાયબર ક્રાઈમ જેવા નવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ પણ સમાંતરે વધ્યું છે. માટે ટેકનોલોજીના દુરઉપયોગને અટકાવવા માટે જનજાગૃતિ ઉભી કરીએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો માનવ-વિકાસમાં ઉપયોગ કરીએ.

સશસ્ત્ર દળો, પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના જવાનોના યોગદાન વિના સલામત અને સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય નથી. બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા સૌ સંકલ્પબદ્ધ બનીએ અને વિકસિત ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપીએ.

જિલ્લાના વિકાસ માટે રાજ્યસરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટ બી. કે. પંડ્યાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, આઈસીડીએસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરટીઓ, ૧૦૮ ના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ૫ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.

ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવેલ વ્યક્તિઓ અને સંસ્થાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રથમ ક્રમે આવેલા પીજીવીસીએલ, દ્વિતીય ક્રમે આવેલ જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ તથા તૃતીય ક્રમે વિજેતા થયેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબલોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદીયા, અગ્રણી રમેશભાઈ મુંગરા, એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, આમંત્રિત મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

ગુજરાત ના વરિષ્ઠ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ નું આજે ધનસુરા ખાતે સન્માનિત કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જિલ્લા નું ઘરેણું અને સમગ્ર ગુજરાત ના અખબાર જગત…

1 of 578

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *