ગાંધીનગર, સંજીવ રાજપૂત: ૧લી જુલાઇ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના વિવિધ જીલ્લામાં રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત તબીબો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના વિવિધ જિલ્લાના તબીબો સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સરાહના કરી ડૉકટર્સ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યના તબીબો આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જુ છે. તબીબોના માર્ગદર્શનમાં જ સમગ્ર મેડિકલ , પેરામેડિકલ સ્ટાફ કાર્ય કરતું હોય છે. તબીબોની સ્કીલ, અનુભવ, ફરજનિષ્ઠાએ રાજ્ય આરોગ્યવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.
આ વીડિયો સંવાદમાં મંત્રીએ ભુજ તાલુકાના બોર્ડર પર આવેલ ખાવડા સી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડૉ. રાજેશ વર્મા સાથે વિગતવાર ચર્ચા કરીને એક વર્ષમાં અંદાજીત 1500 જેટલી સફળ પ્રસુતિ કરીને એક પણ માતા મૃત્યુ ન થવા બદલ અભિનંદન પાઠવીને તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી. રાજ્યના તબીબો સાથે સંવાદ કરીને હોસ્પિટલ સંચાલનમાં જરૂરી કામગીરી , વ્યવસ્થા ને સમસ્યાઓને લગતી રજૂઆતો પણ સાંભળીને સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે ખાતરી આપી હતી.
મંત્રીએ બનાસકાંઠાના દિયોદર તાલુકા સ્થિત રૈયા પી.એચ.સી. ના મેડિકલ ઓફિસર ડૉ. યોગેશ પ્રજાપતિની કામગીરી ની પણ સરાહના કરી હતી. વાર્ષિક 30,000 ની ઓ.પી.ડી. અને 8000 ની આઇ.પી.ડી. , NFSA પ્રમાણે PMJAY ના તમામ લાભાર્થીઓના કાર્ડ કઢાવવા, PMJAY અંતર્ગત 1685 ક્લેઇમ કર્યા જેમાં રૂ. 62 લાખની રકમ RKS માં ઉપલબ્ધ કરાવવા તેમજ જાન્યુઆરી-2024 માં NQAS સર્ટિફિકેટ મેળવીને બનાસકાંઠા જિલ્લામાં ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રથમ પી.એચ.સી બનવા બદલ રૈયા પી.એચ.સી.ની સમગ્ર ટીમને અને તેમના પ્રયાસોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
તદ્ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલએ અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર અને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ સાથે પણ હોસ્પિટલમાં કરવામાં આવેલી કામગીરીની સરાહના કરીને તમામને અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કાર્યરત તમામ તબીબોએ પોતાની કામ પ્રત્યેની નિષ્ઠાથી સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે.
સિવિલ હોસ્પિલમાં અંગદાન અને અમરકક્ષની પહેલ, યુ.એન. મહેતા હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને હ્રદયરોગ સંબંધિત જનજાગૃત, કેન્સર હોસ્પિટલ દ્વારા ડે-કેર કિમોથેરાપી સેન્ટર્સ અને રેડિયોથેરાપી મશીન , કિડની હોસ્પિટલ દ્વારા ડાયાલિસીસ સેન્ટર્સ અને કિડની, લીવર ટ્રાન્સપ્લાન્ટની કામગીરી તેમજ સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા ઓડિયોલોજી અને સ્પાઇન સર્જરી સંબધિત કામગીરીની મંત્રી ઋષિકેશ પટેલે સરાહના કરીને તમામને પ્રોત્સાહિત કર્યા હતા.
આગામી સમયમાં પણ જનકલ્યાણનો આ યજ્ઞ અવિરત પણે ચાલતો રહે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.