સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી ૧૮ વર્ષના બાળકોના ગુમ તથા પરત થયા હોવાના રેકર્ડની ખરાઈ કરવા માટે મિસિંગ સેલ, ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન બામણીયા ડુમસ પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા
એ દરમિયાન એક તરૂણ ડુમસ દરિયાકિનારે બેભાન અવસ્થામાં પડ્યો હતો, તેમજ મોં માંથી ફીણ નીકળતા હોવાથી પાયલબેને સમયસૂચકતા દાખવી તેના હાથની નાડી તપાસી, છાતી દબાવીને પાણી કાઢ્યું હતું. અને તુરંત ૧૦૮ ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો.
એવામાં આસપાસથી એકઠા થયેલા લોકોની મદદથી બાળકને ડુમસ પોલીસ ચોકી લઈ ગયા.પરિવારની ભાળ ન મળતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્ર વળવી અને FFWC કોર્ડિનેટર પિયુષ શાહની મદદથી તરૂણના પરિવારનો સંપર્ક સાધી સિવિલ હોસ્પિટલ બોલાવી લીધા હતા. આ પરિવારને પોતાનું બાળક સુરક્ષિત હોવાનું જાણી ભાવુક બન્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન સહિત પોલીસ વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.