આણંદ જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હિંમતપૂર્વક આગળ વધવાનો સંદેશ પાઠવતાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
આણંદ, બુધવાર : સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આગામી તા. ૧૧ મી માર્ચથી યોજાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વિના પરીક્ષાઓ આપી આગળ વધે તે માટે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું મનોબળ વધે અને તેઓ કોઈપણ જાતની માનસિક તાણ અનુભવ્યા વગર તેઓ પરીક્ષાઓ આપે તે માટે એક પત્ર દ્વારા તેમને માર્ગદર્શન આપતો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
આ પત્રમાં જિલ્લા કલેકટરશ્રીએ કહયું છે કે, વ્હાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, સમગ્ર વર્ષ દરમિયાન તમે સૌએ ખૂબ સારી મહેનત કરી છે અને પરીક્ષાની તૈયારી કરી છે. પરીક્ષાના આ સમયે આપના પરિવારજનો, મિત્રો. શાળાના શિક્ષકો અને અમે સૌ આપની સાથે છીએ.
વ્હાલા મિત્રો, પરીક્ષા સમયે ખૂબ આત્મવિશ્વાસ રાખી પરીક્ષા આપજો. દરેક વ્યક્તિ અનન્ય છે, તેની સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં અને આ પરીક્ષા તમારી જિંદગીની આખરી પરીક્ષા નથી. હજુ તમારે જીવનના દરેક તબક્કે હિંમતપૂર્વક આગળ વધવાનું છે. કોઈપણ જાતના નકારાત્મક વિચારોને મનમાં આવવા દેશો નહીં. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘‘પરીક્ષા પે ચર્ચા’’ કાર્યક્રમ દ્વારા આપને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપ્યું છે.
પરીક્ષા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશો. પરીક્ષા દરમિયાન પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ લેશો. પરીક્ષા ખંડમાં પણ આત્મવિશ્વાસ સાથે પેપર લખશો. કોઈ પણ જાતની ચોરી કે ગેરરીતી કરવાનો પ્રયત્ન ન કરશો. તમે મહેનત કરો છો. તેથી તમને ચોક્કસ સફળતા મળશે જ. તમને સૌને મારી હૃદય પૂર્વકની શુભેચ્છાઓ…
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ