શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંબાજી ખાતે વર્ષ દરમિયાન આવતા તહેવારો મા ભાદરવી મહાકુંભ, નવરાત્રી , દીવાળી પર્વ અને વેકેશન મા લાખો કરોડો માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે સૌથી મોટો પર્વ અંબાજી ખાતે પોષ મહિનાની પૂર્ણિમાએ પણ યોજાતો હોય છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામા આવ્યુ છે, સાથેસાથે અંબાજી મંદિરની હવનશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા 23 અને 24 જાન્યુઆરી ના રોજ વિશ્વ કલ્યાણ અને પશુઓના કલ્યાણ માટે ગણેશ યાગ ,હોમાત્મક મહા શતચંડી યજ્ઞ શરુ કરાયો હતો જેમા વિવિધ પ્રકારના દ્રવ્યો ,પુજન સહીત 108 વિવિધ ઔષધીઓથી માતાજીનો અભિષેક તથા હવન કરાયો હતો.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમ પર્વ પહેલા અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ દ્રારા આ યજ્ઞ પૂજન કરાયું હતુ. બે દિવસ સુધી સતત અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને બોલનારી અંબે જય જય અંબે નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી