એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિશ્રીઓના વિવિધ વિષયોને લગતી બાબતો જેવી કે પ્રોપર્ટીકાર્ડ, આવાસ યોજના અમલીકરણ, આરોગ્ય સુવિધાઓ, વીજ કાપ અને નવા વીજ જોડાણના પ્રશ્નો, પાણીના અંગેના અને રોડ રસ્તા દુરસ્તીના પ્રશ્નો, બિન ખેતી શરતભંગ અને પ્રિ-મોનસુન કામગીરી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર દ્વારા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો જેવાં કે પડતર અરજીઓના નિકાલ અંગે, આરોગ્ય વિષયક સુવિધાઓ, શાળાના નવા ઓરડાના બાંધકામ અંગે તેમજ સ્વામિત્વ યોજનાના અસરકારક અમલીકરણ અંગે સકારાત્મક અભિગમથી કામ કરવા તથા ઝડપી અને યોગ્ય નિકાલ કરવા જિલ્લા કલેક્ટરએ સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, નાયબ વન સંરક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, અધિક નિવાસી કલેકટર ડી.એમ.દેસાઈ સહિત પ્રાંત અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલીકા ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.