તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
ગુજરાતના અતિવૃષ્ટિથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લીધે અનેક નદીઓમાં પુર આવતાં જાનમાલને નુકશાન થવા પામ્યું છે. સરકારના સુત્રો પાસેથી ઉપલબ્ધ થયેલી યાદી અનુસાર સમગ્ર ગુજરાતમાં ૫૯ જેટલાં લોકોએ અતિવૃષ્ટિને લીધે પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની સહાયતા રાશી શ્રી હનુમંત સંવેદના સ્વરૂપે પહોંચતી કરવા પૂજ્ય મોરારિબાપુએ જણાવેલ છે.
એ જ પ્રમાણે ગઈકાલે મધ્ય પ્રદેશના ઇન્દોરથી મહારાષ્ટ્રના પુના તરફ જઈ રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો જેમાં 13 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યાં છે. આ તમામ મૃતકોના પરિજનોને પણ રૂપિયા પાંચ હજાર પ્રમાણે સહાયતા પહોંચતી કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકાર પાસેથી આ ઘટના અંગે વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ 3-60 લાખની સહાયતા રાશી આપવામાં આવશે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવી રહી છે.
પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાં લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમજ તેમનાં પરિવારજનો પ્રતિ સંવેદના પ્રગટ કરેલ છે.