Latest

ગુજરાતના બાવળા સ્થિત ઇરેડિયેશન પ્લાન્ટને અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસ દ્વારા મંજૂરી મળી

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વધુ એક સફળતા રાજ્યને મળી છે. બાવળા સ્થિત ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ સુવિધાને (GARPF) યુએસડીએ-એપીએચઆઇએસ (USDA-APHIS)ની મંજૂરી મળી ગઇ છે. હવે ગુજરાતની કેરીની અમેરિકામાં નિકાસ કરવાને વેગ મળશે.

USDA-APHIS એ નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન (NPPO)ની ટીમ સાથે મળીને GARPFનું ઓડિટ કર્યું હતું. ઓડિટ બાદ તા. 2/7/2022ના બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામા આવી હતી. કેરી અને દાડમના નિકાસ માટે USDA-APHISની મંજૂરી મેળવનાર આ ગુજરાતનો આ પ્રથમ પ્લાન્ટ છે.
નિર્ધારિત ધોરણો મુજબ, કેરીને યુએસએમાં નિકાસ કરતા પહેલા તેનું ઇરેડિયેશન ફરજિયાત છે. ઇરેડિયેશન પ્રક્રિયા યુએસના ક્વોરેન્ટીન નિરીક્ષકોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે. આ મંજુરી બાદ ગુજરાતમાંથી સીધી કેરીની નિકાસ કરવામાં આવશે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) એ રાજ્ય સરકારનું સાહસ છે જેમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) હેઠળ 2014માં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો માટે 1,000 કિલો-ક્યુરી (kCi) મલ્ટીપર્પઝ સ્પ્લિટ ટાઇપ, પેલેટાઇઝ્ડ રેડિયેશન પ્રોસેસિંગ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. તેમાં આશરે રૂ. 20 કરોડનું મૂડી રોકાણ કરવામા આવ્યું છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજીના (BRIT) ટેક્નિકલ માર્ગદર્શન અને સહાયથી આ સુવિધા વિકસિત કરવામા આવી છે.

ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઇસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજી અને તબીબી ઉત્પાદનોને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરી શકે છે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી ડી.કે. પારેખ (IAS) ઓડિટ દરમિયાન હાજર હતા. તેમણે ઓડિટ ટીમને આ પ્લાન્ટના મહત્વ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત સરકારે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કચ્છને મેંગો ક્લસ્ટર તરીકે જાહેર કર્યું છે. તેથી આ સુવિધાના લીધે ગુજરાતમાંથી કેરીની નિકાસને આવનારા સમયમાં મોટાપાયે ફાયદો થશે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. એ કેરીની નિકાસ માટે જરૂરી ત્રણ માળખાકીય સુવિધાઓની સ્થાપના એક જ જિલ્લામાં કરી છે. તેમાં ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ, ગામા રેડિયેશન સુવિધા અને પેરિશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. USDA-APHIS મંજૂરી પછી, ઇરેડિયેશન સુવિધાના લીધે કેરીની ગુણવત્તાને વધુ સારી રીતે નિર્ધારિત કરી શકાશે અને પરિવહન તેમજ બગાડના લીધે થતો ખર્તો અટકાવી શકાશે.

GARPFની વિગતો:-

• કુલ વિસ્તાર 6,750 ચો. મીટર અને બાંધકામ વિસ્તાર ચો. 2,368 ચો. મીટર છે, કેરીને ઇરેડિયેટ કરવાની ક્ષમતા: @ 6 MT/ કલાક.
• આ સુવિધામાં 30 MT અને 50 MT ના બે કોલ્ડ સ્ટોરેજ છે. તેમાં રોલર બેડ કન્વેયર અને સામગ્રીના સિંગલ પોઈન્ટ લોડિંગ/અનલોડિંગ સાથે ઓટોમેટેડ મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે. કન્વેયર ઝડપ- મહત્તમ 80 બોક્સ/કલાક.
• આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર વ્યૂહાત્મક સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે. અહીથી ઈન્ટીગ્રેટેડ પેક હાઉસ, નરોડાનું અંતર 60 કિમી , પેરિશેબલ કાર્ગો કોમ્પ્લેક્સ અમદાવાદ એરપોર્ટનું અંતર 50 કિમી , પીપાવાવ પોર્ટ 265 કિમી , કંડલા પોર્ટ 292 કિમી, મુન્દ્રા પોર્ટ 335 કિમી અને મુંબઈનું 555 કિમી છે.

• આ સુવિધાને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) અને નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (NPPO) દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેની પાસે A અને B વર્ગના તબીબી ઉત્પાદનોના વિતરણ માટે FSSAI અને FDAનું લાઇસન્સ છે. તે ISO 9001:2015, ISO 22000:2018 અને ISO 13485:2016 પ્રમાણિત સુવિધા છે.
• આગામી સમયમાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) વિકસિત થતા આ સુવિધાનો ઉપયોગ ઉત્તરના અંતરિયાળ વિસ્તારોના ઉત્પાદનોનું રેડિયેશન અને પ્રોસેસિંગ કરી ગુજરાતમાંથી નિકાસ કરી શકાશે.

એક અંદાજ પ્રમાણે 2019-20માં મહારાષ્ટ્રે આશરે 980 MT ઇરેડિયેટેડ કેરી યુએસએમાં નિકાસ કરી હતી. તેમાંથી 50 થી 60% કેરી ગુજરાતની હતી કારણ કે રાજ્યમાં USDA-APHIS માન્ય ઇરેડિયેશન પ્લાન્ટની ઉપલબ્ધતા ન હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *