અમરેલીના ખાંભા ગામના સુજાન બોળાદરનું કીર્તિમાન સરહદ પરિચય કાર્યક્રમમાં પ્રશંસનીય કામગીરી
LLBના વિદ્યાર્થી સુજાન બોળાદરે સરહદી પ્રવાસમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી પ્રમાણપત્રથી કરાયા સન્માનિત
રાષ્ટ્રપ્રેમ મજબૂત ગુજરાતના ૧૦૦ યુવાનોએ કચ્છ અને બનાસકાંઠાની સરહદોનો પ્રત્યક્ષ અનુભવ કર્યો
અમરેલી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ **’આપણી સરહદ ઓળખો’**નું કચ્છ અને બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સરહદો પર સફળતાપૂર્વક સમાપન થયું છે. આ પ્રેરણાદાયી પ્રવાસમાં અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં રહેતા અને તેજસ્વી યુવતી બોળાદર સુજાન અલારખભાઈએ પોતાની પ્રશંસનીય કામગીરીથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સમગ્ર ગુજરાતના ૨૯ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા ૧૦૦ યુવક-યુવતીઓએ ૧૦ દિવસના આ પ્રવાસમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રાજ્યની સરહદી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ, સંરક્ષણ વ્યૂહરચના અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે પ્રત્યક્ષ જાગૃતિ આપીને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.
શૈક્ષણિક સિદ્ધિ અને ઉત્સાહભેર યોગદાન એસ.ડી. કોટક લો કોલેજ, અમરેલી ખાતે LLB નો અભ્યાસ કરી રહેલા સુજાન અલારખભાઈએ અગાઉ સાયકોલોજી વિષય સાથે બી.એ.ની ડિગ્રી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેમની બૌદ્ધિક ક્ષમતા કાર્યક્રમ દરમિયાન તેમની વ્યવસ્થિત અને સુંદર કામગીરીમાં જોવા મળી હતી. તેમણે તમામ જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવીને કાર્યક્રમને સફળ પૂર્ણ કર્યો હતો આ કાર્યક્રમની સમાપ્તિ વખતે, તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-કચેરી, ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શિબિરાર્થીઓએ કચ્છ અને બનાસકાંઠાના કુલ ૨૭ જેટલાં સ્થળોની મુલાકાત લીધી, જેમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારો જેવા કે ખરદોઈ પોસ્ટ બોર્ડર, જખૌ પોર્ટ અને નડાબેટ સીમા દર્શન તેમજ ઐતિહાસિક સ્થળો જેવા કે ધોળાવીરા, ધોરડો સફેદ રણ અને લખપત ફોર્ટનો સમાવેશ થાય છે.
યુવાનોને સરહદ પર ફરજ બજાવતા વીર જવાનોના જીવન-કાર્યો અને બલિદાન તેમજ કચ્છી સંસ્કૃતિની સમૃદ્ધ લોકકલા, સંગીત અને હસ્તકલાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો, જેનાથી યુવાનોમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની.
અમરેલી જિલ્લાના ખાંભાના બોળાદર સુજાન અલારખભાઈએ આ રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા કાર્યક્રમમાં સક્રિયતા અને ઉત્કૃષ્ટતા બતાવીને જિલ્લાના અન્ય યુવાનો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમની આ સિદ્ધિ બદલ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર-સમાજની સેવામાં તેમના સતત યોગદાન માટે સમાજ અગ્રણીઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી
















