Latest

ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન. બજાણીયા પરિવાર દ્વારા અંત:કરણપૂર્વક નાના આંતરડાનું કરાયું અંગદાન

અમદાવાદ: શરીરના સૌથી લાંબા અંગ નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન મળીને પ્રત્યારોપણ થયાના માત્ર 14 કેસ જ નોંધાયા છે.

સમગ્ર વિગતો એવી છે કે, ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષીય રાજુભાઇ બજાણીયાને માર્ગ અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સધન સારવાર અર્થે 22 જુલાઇના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા. 25 વર્ષના યુવક રાજુભાઇને સારવારના અંતે તબીબો દ્વારા 24 મી જુલાઇના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કરતા સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલના પ્રયત્નો હાથ ધર્યા.

રાજુભાઇ બજાણીયા યુવાન અને સ્વસ્થ હોવાથી અંગદાનમાં મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી. પરંતુ અંગદાનના જરૂરી માપદંડોમાં બંધબેસતા સમગ્ર રીટ્રાઇલની પ્રક્રિયાના અંતે બે કિડની અને ગુજરાતના અંગદાનના ઇતિહાસમાં પ્રથમ વખત એમ નાના આંતરડાનું દાન મળ્યું.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીનું કહેવું છે કે, નાના આંતરડાનું દાન મેળવવું અત્યંત જટિલ પ્રક્રિયા છે. મોટાભાગે યુવાન બ્રેઇનડેડ દર્દીના અંગદાનમાં જ નાના આંતરડાનું દાન મેળવવું શક્ય બને  છે. આ અગાઉ પણ 2 થી 3 દર્દીઓમાં નાના આંતરડાનું દાન મેળવવાની મહેનત હાથ ધરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

રાજુભાઇ સ્વસ્થ હોવાથી તેમનું આંતરડુ તમામ માપદંડોમાં બંધબેસતુ હતું. વધુમાં જે દર્દીમાં આ આંતરડાનું પ્રત્યારોપણ કરવાનું હતુ તે દર્દીના આંતરડાની સાઇઝ સાથે રાજુભાઇના અંગદાનમાં મળેલા આંતરડાની સાઇઝ બંધબેસતા આખરે નાના આંતરડાના દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી વખત પોતાની કુશળતાનો પરચો બતાવીને અત્યંત જટીલ અને નામુમકીન કહી શકાય તે પ્રકારની રીટ્રાઇવલ સર્જરી હાથ ધરીને અન્યને નવજીવન આપ્યું છે.

સિવિલ હોસ્પિટના ડૉ. નિલેશ કાછડીયા સમગ્ર વિગતો આપતા દર્શાવે છે કે, 600 થી 700 સે.મી.ની લંબાઇ ઘરાવતા નાના આંતરડાને બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઇવ કરવું અત્યંત પડકારજક હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી છે. ખોરાકના ચયાપચનની ક્રિયાની શરૂઆત જ નાના આંતરડાથી થાય છે. જેના માધ્યમથી જરૂરી પોષક તત્વો લીવર સુધી પહોંચતા હોય છે. જેના પરથી સમજી શકાય કે નાના આંતરડાની તકલીફના પરીણામે ચયાપચન અને જમવાની પ્રક્રિયા વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે.

નાના આંતરડાને પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે ?

શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડુ . શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવીને પાછા ખેંચવાનું કામ નાનું આંતરડું કરે છે.

ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઇ જવાથી જેવા કારણોથી આંતરડાની ધોરી નસમાં બ્લોક થઇ જાય છે અથવા તો ઇજાના કારણે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચળી જાય અને આંતરડુ કાળુ પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઇ 25 સે.મી. થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમા વ્યક્તિની ચયાપચન કરવું અત્યંત મુશકેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે. અન્ય વિકલ્પમાં ધોરી નસ થી દર્દીને ખોરાક આપવાની જરૂર ઉભી થાય છે. જે નિયમિત પણે અત્યંત મુશકેલ અને ખર્ચાળ છે.

નાના આંતરડાનું દાન ક્યારે મળી શકે….

અંગના ડોનર અને અંગ લેનાર વ્યક્તિના આંતરડાની સાઇઝ મેચ થતી હોય. આંતરડુ સ્વસ્થ  હોય. વધારે સોજા કે ચરબી વાળુ ન હોય..આ તમામ પરિસ્થિતિ બંધબેસતા જ આંતરડાનું પ્રત્યારોપણ શક્ય બને છે.
નાના આંતરડાની પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા દર્દીને શક્ય એટલું જલ્દી આંતરડું મળે ત્યારે જ તેનું જીવન બચાવવું શક્ય છે . જે કારણોસર જ સમગ્ર દેશમાં આ અત્યારસુધીનો 14 મો કિસ્સો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *