Latest

ગૂજરાત વિદ્યાપીઠ અને ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હી’ના સંયુક્ત ઉપક્રમે ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ દ્વિદિવસીય જ્ઞાનગોષ્ઠીનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં માતૃભાષામાં શિક્ષણ, સ્વાવલંબન માટેનું શિક્ષણ, સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ માટેનું પ્રશિક્ષણ, વોકેશનલ પ્રોગ્રામ્સ અને ભારતીય મૂલ્યોના સમન્વય અને સંસ્કાર સિંચનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભારતની વર્તમાન અને આવનારી પેઢી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નવી શિક્ષણ નીતિના અમલ બદલ કાયમ યાદ રાખશે. શિક્ષણનું લક્ષ્ય જીવનનો સર્વાંગી વિકાસ છે, વ્યક્તિત્વને પૂર્ણ નિખારવું, માતા-પિતા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિક તૈયાર કરવો તે પણ શિક્ષણનું લક્ષ્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આયોજિત ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલએ શિક્ષણવિદો અને પ્રાદ્યાપકોને સંબોધન કરતાં વધુમાં જણાવ્યું કે, પરા અને અપરા વિદ્યા એટલે કે ભૌતિક અને પારલૌકીક વિદ્યા, બંને પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો મહિમા વેદોમાં ગવાયો છે. શિક્ષણ માનવીને વિમુક્ત કરે છે. ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક દુઃખોથી મુક્ત કરે તે સાચું શિક્ષણ છે.

રાજ્યપાલએ ભારતની પ્રાચીનતમ ગુરુકુળ પરંપરાના ઇતિહાસની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું કે, એક સમયે ભારતમાં કોઈ પણ વ્યક્તિ અભણ કે અશિક્ષિત ન હતો, તેનું કારણ તત્કાલીન ગુરુકુળ પરંપરા હતી. મુઘલો અને આક્રાંતાઓએ આવીને ભારતની શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય મહાવિદ્યાલયોના પુસ્તકાલયો અને વિદ્યાપીઠોને સળગાવ્યા. અંગ્રેજોએ આવીને ભારતની ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઉપર કુઠારાઘાત કર્યો. પરિણામે ગુરુકુળ શિક્ષણ પરંપરા વિસરાતી ગઈ.

તેમણે કહ્યું કે, ગુરુકુળ વિદ્યાર્થીને પ્રકૃતિ અને પર્યાવરણના સાંનિધ્યમાં રાખીને શિક્ષણ આપે છે. ગુરુકુળનો વિદ્યાર્થી નદી, પહાડ, વૃક્ષો, વનસ્પતિ જેવા પ્રાકૃતિક તત્વોનું મહત્વ સમજે છે. આથી વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવાના પાઠ અલગથી ભણાવવા પડતા નથી.

રાજ્યપાલએ ગુરુશિષ્ય પરંપરા અને શિક્ષકોનું મહત્વ સમજાવતાં કહ્યું કે, ભારતના પ્રાચીનતમ પુસ્તકાલયો, વિદ્યાપીઠો નષ્ટ થવા છતાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને ગુરુજનોએ સંરક્ષિત કર્યું, સંવર્ધિત કર્યું. ગુરુકુળ પરંપરાએ ભારતની શિક્ષણ પ્રણાલીને બચાવી રાખી છે. ભારતમાં આવી ગુરુકુળ પરંપરાને પુનઃ જીવંત કરવામાં દીનાનાથ બત્રા જેવા શિક્ષાવિદોના યોગદાનનો ઉલ્લેખ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. દીનાનાથ બત્રાજી સાથેના પોતાના સંસ્મરણોને પણ રાજ્યપાલએ આ પ્રસંગે યાદ કર્યા હતા.

શિક્ષણ વ્યવસ્થામાં ભારતીય મૂલ્ય-સંસ્કારોને અનન્ય સ્થાન અપાવવા માટે કાર્ય કરવા બદલ તેમજ નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં અતુલ્ય યોગદાન આપવા બદલ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની પ્રશંસા રાજ્યપાલએ કરી હતી.

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય મૂલ્યોને સમર્પિત એવી આધુનિક શિક્ષણ પ્રણાલી અને શિક્ષણનીતિનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે માનવીના સર્વાંગીણ વિકાસ અને ચારિત્ર ઘડતર તથા રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા સમજાવી હતી.

શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલભાઈ કોઠારીએ કહ્યું કે, દેશ બદલવા માટે શિક્ષણ પ્રણાલી બદલવી પડે. શિક્ષણ વ્યવસ્થા અને અભ્યાસક્રમોમાં વિસંગતિ વિકૃતિને દૂર કરવાનો પ્રયાસ શિક્ષણવિદોએ કરવો જોઈએ, પાઠ્યક્રમમાં માત્ર ભૂલ કાઢવાની કામગીરી નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ માટે રચનાત્મક ઉકેલ અને સૂચન આપવાની કામગીરી કરવાની આવશ્યકતા છે. શ્રી કોઠારીએ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના શિક્ષણ પરિવર્તનના પ્રયાસ તેમજ ‘શિક્ષા બચાવો આંદોલન’ની પૃષ્ઠભૂમિ જણાવવી હતી આ ઉપરાંત ભારતભરમાં જ્ઞાનકુંભ અને મહાજ્ઞાન કુંભના આયોજનનો ચીતાર પણ તેમણે આપ્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ગાંધીજી દ્વારા વિદ્યાપીઠની સ્થાપનાની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાપીઠમાં કલામંદિર, પુરાતત્વ મંદિર, સહિત કુલ ૧૦ જેટલા મંદિર – શિક્ષણભવન આવેલા છે જેના મૂળમાં ભારતીય ગુરુકુળ પરંપરા છે. ગાંધીજી દ્વારા પ્રેરિત વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલીમાં ભારતીય શિક્ષણ પરંપરાઓનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. વિદ્યાપીઠનું લક્ષ્ય આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રને સમર્પિત નાગરિક તૈયાર કરવાનું છે.

જ્ઞાનકુંભ અંતર્ગત યોજાયેલી અખિલ ભારતીય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને રાજ્યપાલ સહિત મંચસ્થ મહાનુભાવોએ પારિતોષિક આપી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, પ્રયાગરાજ જ્ઞાનમહાકુંભના સંયોજક સંજય સ્વામી, જ્ઞાન કુંભ – કર્ણાવતી શહેર સંયોજક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ગુજરાત પ્રાંત સંયોજક ડૉ. હરેશભાઈ બારોટ, દેશની વિભિન્ન યુનિવર્સિટીઓમાંથી આવેલા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *