જામનગર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ ભવ્ય પોલીસ પરેડમાં સલામી ઝીલતા રાજ્યપાલશ્રી
જામનગર:ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરના આંગણે થઈ રહી છે, ત્યારે આ પ્રસંગે ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં માંન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
પાઇપ બેન્ડથી માન. રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન ફાયરથી માર્ચ પાસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરેડમાં કુલ ૧૯ પ્લાટુનના ૮૦૦ જવાનોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રુફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરૂષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત પોલીસની મહિલા તલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસ.આર.પી. જુથ-૧૩ રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડીયા રાસ, એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓએ ઉત્તર ગુજરાતનુ લોકનૃત્ય રૂમાલ નૃત્ય રજુ કર્યું હતું.
એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ તથા એસ.આર.પી. જુથ-૯ વડોદરાના તાલીમાર્થીઓએ ગુજરાતના અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનું આદીવાસી નૃત્ય રજુ કર્યું હતું.
પરેડ અંતર્ગત મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનોએ રોમાંચક કરતબો કરી આગવું કૌશલ દેખાડ્યું હતું. આ સ્ટંટમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇ પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સ, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ, બાઇક પર કોમી એકતા સહિત વિવિધ દિલધડક બાઈક સ્ટંટ યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી સાથે તેમના ધર્મપત્નીશ્રી દર્શનાદેવી, કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી, જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, ડી.જી.પી.શ્રી વિકાસ સહાય, રેન્જ આઇજીશ્રી અશોક કુમાર યાદવ, કલેકટરશ્રી બી.એ. શાહ, મ્યુનિ. કમિશનરશ્રી ડી.એન. મોદી તથા બહોળી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.