Latest

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી  હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.

રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘ભવ.ય તિરંગા યાત્રા’ને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રી સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે, આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાઈ બન્યું છે. સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દેખાડ્યું  છે, તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. વડાપ્રધાનનું સ્પષ્ટ માનવું છે કે, તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા, આજે આપણે તિરંગો ફરકાવીને આઝાદીના ૧૦૦મા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યબદ્ધ અને સંકલ્પબદ્ધ થવાનું છે.

આ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે  તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહ્વાન કર્યું છે.  રાજ્ય સરકાર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાને  સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે.

વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડે છે. એટલું  જ નહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ કોઈ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા અને લોકલ ફોર વોકલનો પણ મંત્ર આપ્યો છે. સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ તિરંગા યાત્રા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી શિવ નારાયણ સોસાયટી વિભાગ ૦૧ થઇ,  શિવાજીનગર, અમરાજીનગર ગલી નંબર ૦૪ અને ૦૫, અમરાજીનગર ગલી નંબર ૦૩, વિદ્યાનગર, સાવધાનનગર, રવિ રો-હાઉસ, રબારી વાસ, અરવિંદનગર થઇ રામેશ્વર સર્કલ પાસે  સમાપન થયું હતું.

આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના બાળકો તેમજ શિક્ષકો ૨૧૫૧ ફૂટ લાબા તિરંગા સાથે નીકળ્યા હતા, જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.

આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રૂપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.

આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી તિરંગા યાત્રા રૂટ પરના તમામ માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ તિરંગા યાત્રામાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદઓ, અમદાવાદના ધારાસભ્યઓ, કાઉન્સિલર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર  જી. એસ. મલિક, અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ – પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો, રમતવીરો, વિવિધ સમાજ લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ૩૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના કુલ ૪ ટેબ્લો , ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના ૭૯મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૨થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પખવાડિયા દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *