‘જીતો’ એ તેના સમાજ ઉપયોગી કાર્ય દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવાની સુવાસ ચલાવી છે-શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી*
જો કુશળતા હાંસલ કરી આત્મવિશ્વાસ વિકસિત કરશો આવશે તો તમે ધાર્યા લક્ષ્ય સિદ્ધ કરી શકશો- શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો)ના ભાવનગર ચેપ્ટર દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળે અને તેઓ ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર નગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા “શૈક્ષણિક જાગૃતિ માટે સુવર્ણ તકો” અંગેના પરિસંવાદમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, જીતો એ તેના કાર્યો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની સુવાસ ફેલાવી છે.
જીતો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા સેમિનાર અને શૈક્ષણિક સુવિધાઓથી અનેક વિદ્યાર્થીઓએ રાજ્ય અને દેશની વહીવટી સેવાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ વિદ્યાર્થીઓ જીતો જેવા સંગઠનમાં તેની વ્યવસ્થા જોઈને સમાજ માટે જે પણ વ્યવસ્થા કરવાની થાય તે વ્યવસ્થાઓ સરકારી તંત્રમાં આવીને વધુ સારી રીતે તેઓ કરી શકે છે જેને લીધે સમાજને પણ મોટો લાભ થાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, આજના વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ આ વિદ્યાર્થીઓએ તેઓમાં કોઈના કોઈ કૌશલ્ય વિકસિત કરી આત્મવિશ્વાસ સાથે જે તે ધ્યેય નિર્ધારિત કરીને તે દિશામાં અગ્રેસર થવાનું છે.જો તેઓ લક્ષ્યને કેન્દ્રિત કરીને આગળ વધશે તો તેઓ જીવનમાં ૧૦૦ % સફળતા હાંસલ કરશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે સ્કિલનો જમાનો છે અને સફળતાની ઓળખ કામથી થતી હોય છે. રાજ્ય સરકારે આ બાબત ધ્યાનમાં રાખીને ઇનોવેશન માટે સ્ટાર્ટઅપ પોલિસી બનાવી છે અને તે દ્વારા માઈન્ડ ટુ માર્કેટના ખ્યાલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પોતાનો ઉપક્રમ શરૂ કરવા માટે મદદ કરવામાં આવે છે.આ સ્ટાર્ટઅપ પોલિસી માટે રાજ્ય સરકારે રૂ.પ૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જીતો દ્વારા કોવિડના સમયમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશૂલ્ક ઓક્સિજન સિલિન્ડડર ભાવનગર જિલ્લામાં જ્યારે તેની ખૂબ જરૂર હતી ત્યારે પૂરા પાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગરીબો તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિના મૂલ્યે ભોજનની પણ સેવા પૂરી પાડવામાં આવી હતી તેની મંત્રીશ્રીએ સરાહના કરી હતી.
રાજ્યના વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ મળે તે માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી યુનિવર્સિટીઓ પણ વિકસિત કરી છે કે જ્યાં વિદેશના તજજ્ઞ લોકો ટેકનોલોજી અને ઇનોવેશનનું વિધિવત જ્ઞાન મેળવવા માટે આવે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદના આસિસ્ટન્ટ આવકવેરા આયુક્ત શ્રી અભિષેક ઓસવાલ, ગાર્ગી જૈન સહિતના જીતોના સહયોગથી ઉચ્ચ હોદ્દા પર બિરાજેલ અધિકારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, IAS, IPS, જ્યુડિશિયરી, સિવિલ સર્વિસીસ જેવી પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરાવવાં ૭ હોસ્ટેલ ઇંદૌર, દિલ્લી, પુણે જેવા શહેરમાં સ્થાપિત કરવામાં છે. જેનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળે છે અને તેઓ સમાજના સારા ક્ષેત્રોમાં સ્થાપિત થયાં છે.
આ તકે જીતો ભાવનગરના પ્રમુખશ્રી દર્શકભાઈ મહેતા,જૈન સમાજનાં અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.