વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ વિગતો અનુસાર પુષ્પક એક્સપ્રેસ ટ્રેન માં આગ લાગી છે તેવી અફવા ફેલાઈ હતી અને તેને કારણે ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા માટે લોકો કુદી પડ્યા હતા. બરાબર એ જ વખતે બીજા પાટા પર કર્ણાટક એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી અને તેની નીચે કચડાઇ જતાં ૧૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના અને તેમના સહાયકો દ્વારા રેલ્વે પાસેથી વિગતો મેળવી સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.