સમગ્ર ભારતમાં આગામી તા.૨૧ જુન, ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે. વર્ષ-૨૦૨૩ માં ભારત G-20 રાષ્ટ્રોની અધ્યક્ષતા કરી રહ્યું છે. ચાલુ વર્ષમાં ભારતના વિવિધ શહેરોમાં ‘G20-ONE EARTH,ONE HEALTH’ અંતર્ગત વિવિધ સમીટનું આયોજન થયું છે.
ભાવનગર જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભાવનગર સ્થિત સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈ બેઠક યોજાઈ હતી.
જિલ્લાના જુદાં જુદાં આઈકોનિક સ્થળ અને તમામ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાએ યોગના આયોજનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં શહેરની વિવિધ સંસ્થાઓ સામેલ થશે.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી આ બેઠકમાં કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજસિંહ બારિઆ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.