આણંદ, ગુરૂવાર :: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલા સ્વાગત કાર્યક્રમ દ્વારા હજારો અરજદારોના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે.
આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે ૧૮ અરજદારોની રજુઆત મળી હતી જે તમામ અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત માસના ૪ પેન્ડિંગ પ્રશ્નો પૈકી ૩ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ૧ પ્રશ્ન આખરી નિકાલ પર બાકી રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જે. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ