સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ
પત્રકારમિત્રો ના હિત અને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિની 24 x 7 કટિબદ્ધતા
વડોદરા, તા. 14 સપ્ટેમ્બર 2025
વડોદરા શહેરના આજવા રોડ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લામાંથી તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ કેમેરામેન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એકમેક સાથે સંકલન વધારવા તથા આવનારી ડિરેક્ટરીને વધુ ઉપયોગી બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા. પત્રકારોના હિતમાં રહીને કાર્ય કેવી રીતે થઈ શકે તે અંગે રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા.
પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 માત્ર સંપર્ક સાધન તરીકે જ નહીં, પરંતુ આપતકાલીન પરિસ્થિતિમાં પત્રકારોને એકબીજાની મદદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. સમિતિએ ઉમેર્યું કે પત્રકાર મિત્રો સામે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર સમિતિ હંમેશા અડગ ઊભી રહેશે.
પત્રકાર સંઘર્ષ સમિતિએ વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્રકારોના હિત અને રક્ષણ માટે તેઓ 24 x 7 કાર્યરત છે. કોઈપણ પત્રકાર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે કે નહીં, તે મહત્વનું નથી; સાચા પત્રકારના પડખે સમિતિ અને તેના સભ્યો હંમેશ મજબૂતપણે ઊભા રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, કેમેરામેન મિત્રો અને તંત્રીશ્રીઓએ સંઘર્ષ સમિતિને પોતાના સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌએ એકમતથી અભિવ્યક્ત કર્યું કે આવી ડિરેક્ટરી પત્રકાર જગતમાં એકતા, સહકાર અને વિશ્વાસ વધારવામાં સહાયક બનશે.