અંબાજી: સંજીવ રાજપૂત: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ*
અંબાજી ખાતે ૧ થી ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.
કલેક્ટરએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડી હતી. પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે ‘શી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઇ મોદીએ આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં દાંતા પ્રાંત અધિકારી હરિણી કે.આર, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.