જામનગર, સંજીવ રાજપૂત, જામનગરના JMC સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે આજે ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધા જિલ્લા વહીવટી તંત્ર-જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. જેની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી.તેમજ તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલદિલીની ભાવના સાથે રમવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પૂર્વે ઉપસ્થિત સૌએ કાશ્મીરમાં તાજેતરના આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધામાં પુરુષો અને મહિલાઓના વિવિધ વય જૂથોમાં સ્પર્ધાઓ યોજાશે. રાજ્યભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.આ સ્પર્ધાઓ આગામી તા.૦૫ મે, ૨૦૨૫ સુધી JMC સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ચાલશે.જેમાં યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે.