સુરજપર ગ્રામવાસીઓએ શિલાફલકમના લોકાર્પણ સાથે અમૃતવાટિકામાં વૃક્ષારોપણ કર્યું
‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે. વીર શહીદોને વંદન અર્થે કચ્છના ભુજ તાલુકાના સુરજપર ખાતે અમૃત સરોવરના કાંઠે રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતાને મજબૂત કરવા માટે માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ ગ્રામજનોએ ઉપસ્થિતિ રહીને વીર શહીદોને નમન સાથે અંજલિ આપીને તેમની યાદમાં શિલાફલકમનું લોકાર્પણ કર્યું હતું.
ગ્રામ સરપંચશ્રી ચેતનાબેન પીંડોરીયાના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સહકારી અધિકારીશ્રી વી.કે.ચૌહાણ તથા ઉપસરપંચશ્રી પ્રિતેશભાઇ હિરાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમના લોકાર્પણ સાથે ગ્રામજનોએ વીરોને અંજલી આપીને તેના બલિદાન તથા દેશસેવાને યાદ કરી હતી.
આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામસભામાં ગ્રામજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. નાગરિકોએ સેલ્ફી લઇને માતૃભૂમિ માટે રોજરોજ સમયની દરેકક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.