પાલનપુર, સંજીવ રાજપૂત: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોને મતદાનના દિવસે મત અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
મતદાન વધે તે માટે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વીપ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા વાવ તાલુકાના નવાવાસ ખાતે “ચુનાવ પાઠશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાઠશાળામાં ગ્રામીણ વિસ્તારના લોકોને એકત્ર કરીને જ્યાં ઓછું મતદાન હોય ત્યાં મતદાન વધે તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મતદાન વધે તે માટે લોકોને એકત્ર કરીને મતદાન જાગૃતિની આ પ્રવૃત્તિને “ચુનાવ પાઠશાળા” નામ આપવામાં આવ્યું છે. આ પાઠશાળામાં ગ્રામીણ સ્તરે મોટી સંખ્યામાં લોકો મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન વધે તે માટે જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત જિલ્લાના વિવિધ પેટ્રોલપંપ પર હોર્ડિંગ્સ દ્વારા નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. પેટ્રોલપંપ પર ઇંધણ ભરાવવા આવતા લોકો આ પ્રવૃત્તિમાં સહભાગી બની મતદાનના દિવસે મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ થઈ રહ્યા છે.