એબીએનએસ, એસ.આર. બનાસકાંઠા: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. દાંતા તાલુકાના અંબાજી સ્થિત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, દેશના બંધારણે આપણને વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસીયત છે કે તે, પ્રત્યેક નાગરિકના હક્કોનું રક્ષણ કરે છે. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સેવાના યુગને આજે ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમા સમગ્ર દેશમાં બંધારણના હિતોનું રક્ષણ થઇ રહ્યું છે. પછી તે ૩૭૦ હટાવવાની વાત હોય કે પછી, ત્રિપલ તલાક, કે પછી તાજેતરમાં વન નેશન વન ઇલેશન લાવવા માટેના પ્રયાસો. બંધારણને તેમણે હંમેશા સર્વોપરી રાખીને જ દેશસેવાના કાર્યો કર્યા છે.
સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ GYANની સંકલ્પના રજૂ કરી છે. આ સંકલ્પનામાં GYAN (જ્ઞાન) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનો સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાત સહકારી મોડલ માટે દેશભરમાં ઉદાહરણરુપ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતામંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સહકારથી સમૃદ્ધિના માર્ગે સમગ્ર દેશને વિકાસની નવી રાહ ચિંધી છે.
મંત્રીએ જણાવ્યું કે, કોઇપણ રાજ્યના વિકાસ માટે બજેટની ભૂમિકા પાયારુપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે ગુજરાતને 5G બજેટ મળ્યું હતું. તેમણે કહ્યું કે, જનતાની સેવાના મુદ્રા લેખ સાથે કામ કરતી આ સરકારે સુપોષિત ગુજરાત, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નિર્મળ ગુજરાત ૨.૦ જેવી અનેક પહેલો થકી રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. જગત જનની માં અંબાનું ધામ વિશ્વના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જેને ધ્યાને લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ધામની કાયા પલટ માટે અંબાજી ડેવલોપમેન્ટ પ્રોજેકટને મંજુરી આપી છે. કુલ ૧૨૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે.
તેમણે પ્રથમ સરહદી સોલાર વિલેજ મસાલીના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આજે સમગ્ર દેશમાં આયુષ્માન યોજના રૂપે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને નિઃશુલ્ક સેવાઓ મળી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૨.૭૦ કરોડ જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત ૧.૧૫ કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડીજીટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એક માત્ર રાજ્ય બન્યું છે. રાજ્યના અંતરિયાળ ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે ગુજરાતમાં અત્યારે ૮૦૦ થી વધુ ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. ગુજરાત સરકારની આરોગ્ય વિષયક નીતિના પરિણામે જ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG) ઇન્ડેક્ષના જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતે આરોગ્ય -સુખાકારીની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો છે.
મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દુર કરવા ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના નીરથી જોડવામાં આવ્યા છે. જિલ્લાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવોને પાઇપલાઇનથી ભરવા રૂ.૧૪૧૧ કરોડની યોજનાને સરકારએ મંજુરી આપી છે અને સર્વેની કામગીરી ચાલુ છે.
કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લામાં ખેડુતોને ૧૮ હપ્તા પેટે રૂપિયા ૧૪૭૬ કરોડ મળ્યા છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩.૬૦ મેટ્રીક ટન દુધ ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ નંબરે છે. જે પશુપાલનમાં જિલ્લાએ કરેલી પ્રગતિ દર્શાવે છે. મંત્રીએ શિક્ષણ, નવીન વર્ગખંડો સહિત સ્વામીત્વ યોજના વિશે વાત કરી હતી.
જિલ્લાના વિકાસ માટે રાજ્યસરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં યુ.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, આઈ.સી.ડી.એસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.
પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી.ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઇ ઠાકર, માવજીભાઈ દેસાઈ,જિલ્લા કલેકટર મિહિર પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ,પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.