ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ તાલુકાના મિરઝાપર ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો. તા. ૧૯થી ૨૨ એપ્રિલ સુધી ચાલનારા આ હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન એગ્રોસેલ, અદાણી ફાઉન્ડેશન, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(નર્મી) અને કચ્છમિત્ર સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.
કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા જણાવ્યું હતું કે, કચ્છના ખેત ઉત્પાદનોની માંગ આજે દેશ અને દુનિયામાં છે. ખેડૂતોને બિરદાવતા પ્રભારી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજના આધુનિક યુગમાં ખેડૂતોએ ગ્રામ્ય સંસ્કૃતિને ટકાવી રાખી છે. કચ્છમાં ખેતી ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી અને આ સંભાવનાઓથી વિકાસના શિખરો સર કરવા માટે એકબીજાના સહકારથી આગળ વધવા પ્રભારીમંત્રીએ અપીલ કરી હતી.
સૂકા મલક કચ્છમાં આજે માં નર્મદાના પાણી અવતરણથી આવેલા આમૂલ પરિવર્તનનો શ્રૈય પ્રભારી મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો. ટેકાના ભાવે ખરીદીથી ખેત પેદાશોનું ઉત્તમ મૂલ્ય, સિંચાઈ માટેનું પાણી અને વીજળીની સુવિધા, જમીન ગુણવત્તા માટે સોઈલ હેલ્થ કાર્ડ, બિયારણ જેવા રાજ્ય સરકારના પ્રકલ્પો અને યોજનાઓનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર દુનિયાને રાસાયણિક ખાતરમુક્ત ઉત્તમ ઉત્પાદનો પહોંચાડવાની એક વ્યવસ્થા નિર્માણ કરવા પ્રભારી મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. જિલ્લાની વિવિધ અગ્રણી કંપનીઓ અને કચ્છમિત્રના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને માટે કૃષિ મેળાના આયોજન બદલ પ્રભારી મંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતો આજે રાજ્ય જ નહીં દેશ વિદેશમાં નામાંકિત બન્યા છે. કચ્છની પેદાશોની દેશ દુનિયામાં પહોંચી છે ત્યારે જિલ્લાના નાનામાં નાનો ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો નવીન ટેકનોલોજી અપનાવે અને દેશના વિકાસમાં સહભાગી થાય તેમ અનુરોધ સાંસદશ્રીએ કર્યો હતો.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્વસ્થ જીવન ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આજે વૈશ્વિક બજારમાં સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણિક ખાતરો વિનાના ખેત પેદાશોની માંગ ખૂબ જ વધી છે. ધારાસભ્યશ્રીએ પ્રાકૃતિક ઉપર ભાર મૂકીને નવી ટેક્નોલોજીની મદદથી લોકો સુધી આરોગ્યપ્રદ ખેત ઉત્પાદનો પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોની આવક વધે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તે દિશામાં આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે સરકાર, સંસ્થાઓ અને પોતાની મહેનતથી કૃષિક્ષેત્રે કાઠું કાઢ્યું છે. આજે કચ્છની ખેતપેદાશો દુનિયાભરમાં જાણીતી બની છે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
કચ્છમિત્ર અખબારના તંત્રીશ્રી દિપકભાઈ માંકડ એ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, કચ્છના વિકાસમાં આજે કૃષિક્ષેત્ર અગ્રેસર બન્યું છે. લોક કલ્યાણ અને સામાજિક ઉત્તરદાયિત્વ માટે કચ્છમિત્ર અખબાર હંમેશા અગ્રેસર રહીને આ પ્રકારના કૃષિમેળા જેવા આયોજન કરતું રહેશે એવો વિશ્વાસ તંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. નાનામાં ખેડૂતો સુધી ઉત્તમ ખેતીની તકનિકી અને અવનવા સંશોધનો પહોંચાડવામાં આ કૃષિ મેળો અગ્રણી માધ્યમ બની રહેશે તેમ શ્રી દિપકભાઈ એ જણાવ્યું હતું.
ખેડૂતો વાવેતરથી વેચાણ સુધી ‘આત્મનિર્ભર’ બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તે ઉદેશ્યથી આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં ખેડૂતોને ખેતીની નવીન તકનિકો, પ્રાકૃતિક ખેતીમાં, ઉત્તમ બિયારણ અને દવાઓ વગેરેની જાણકારી સ્ટોલના માધ્યમથી મળી રહેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશંસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કૃષિ મેળામાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, કચ્છમિત્ર દૈનિક અખબારના મેનેજરશ્રી મુકેશભાઈ ધોળકિયા, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડીરેક્ટરશ્રી પ્રશાંતભાઈ પટેલ, એગ્રોસોલના ડીરેક્ટરશ્રી ચૈતન્ય શ્રૌફ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, અદાણી એગ્રીફ્રેશના સીઈઓશ્રી મનીષ અગ્રવાલ, વી ટ્રાન્સના ચેરમેનશ્રી અશોકભાઈ શાહ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમાર, અગ્રણીશ્રી સર્વશ્રી વેલજીભાઈ ભુડિયા, શ્રી મનીષભાઈ સોલંકી, શ્રી હરેશભાઈ ઠક્કર, શ્રી અનુપભાઈ માવાણી, શ્રી વનરાજભાઈ કુવાડીયા, શ્રી હુસેનભાઈ વેજલાણી, સુશ્રી પ્રતિક્ષાબેન પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો, પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા