Breaking NewsLatest

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી

અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે: પ્રધાનમંત્રી શ્રી મોદી

અંબાજી ખાતે લગભગ 7000 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણ કરાવ્યું

“જે લોકોને હજુ ઘર નથી મળ્યા તેના ઘર પણ હું બનાવવાનો છું”: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

ભારતભરમાં ‘અંત્યોદયથી સર્વોદય’નો વિચાર મૂર્તિમંત કરનારા વિકાસપુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઇએ જનકલ્યાણના આપણા સંકલ્પને નવી શક્તિ-નવી ઊર્જા પ્રદાન કરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ડબલ એન્જિન સરકારને કારણે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં ૪ લાખ ગ્રામીણ અને ૭ લાખથી વધુ શહેરી ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને પોતાના આવાસ મળ્યા: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ધરાવતી ગાય અને ગૌ-વંશના નિભાવ માટે મહત્વપૂર્ણ એવી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાનો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શ્રી મોદીએ કેન્દ્ર સરકારના રૂ.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂ.૨૧૭૭ કરોડ મળી કુલ રૂ.૬૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકો ઉપર વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં જનસુવિધાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયું છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહિ, આગામી સમયમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો સમગ્ર બેલ્ટ વિકસિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે. તો બીજી તરફ અંબાજી આવતા દર્શનાર્થીઓ-પર્યટકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો આ યાત્રાધામનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત આગામી સમયમાં અહી વિશેષ કિસાન રેલ પણ ચાલશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું કામ પણ મા અંબાએ મારા ભાગ્યમાં લખ્યુ હશે તેમ કહીને શ્રી મોદીએ ઉમેર્યું કે, આ પરિયોજનાની જરૂરત કેટલી છે એ અંગ્રેજો પણ જાણતા હતા. ૧૦૦ વર્ષ પહેલા અંગ્રેજોએ તેની ડિઝાઇન તૈયાર કરીને આ વિસ્તારમાં રેલ લાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત મુખ્યમંત્રી પદ પર બેસીને આ રેલ લાઇન માટે ખુબ વિનંતી કરી હોવા છતાં તેને મંજૂર કરવામાં આવી ન હતી. હવે આ રેલ લાઈન અને અંબાજી બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ તો આવશે જ, સાથોસાથ મારબલ, ડેરી સહિતના બનાસકાંઠા અને આસપાસના તમામ ઉદ્યોગોને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પાલીતાણાની જેમ તારંગા પણ પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે.

આગામી ૨૫ વર્ષમાં હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેતા વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે, વિશ્વભરનાં લોકોનું ભારત દેશ ઉપર આકર્ષણ ખૂબ વધ્યું છે. દેશમાં ખૂણે ખૂણે થઈ રહેલા વિકાસને અવિરત આગળ વધારતા રહીશું અને સૌને સાથે રાખીને સૌનો વિકાસ કરીશું. આગામી ૨૫ વર્ષમાં દેશને વિકસિત બનાવવાની તક સૌ નાગરિકોના આશીર્વાદથી મળતી રહેશે તેઓ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ તહેવારોની સિઝનમાં ગરીબ પરિવારની બહેનોને તેમનું રસોડું ચલાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે મફત રાશનની યોજના લંબાવી છે. દેશના 80 કરોડથી વધુ સાથીઓને મુશ્કેલીના સમયમાં રાહત આપતી આ યોજના પર કેન્દ્ર સરકાર લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. શૌચાલય હોય, ગેસ કનેક્શન હોય, દરેક ઘર હોય, પાણી હોય, જનધન ખાતા હોય કે મુદ્રા યોજના હેઠળ ગેરંટી વગરની લોન હોય, કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાના કેન્દ્રમાં દેશની મહિલા શક્તિ હોય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરના ૩ કરોડ લાભાર્થીઓને ઘર આપવામાં આવ્યા છે તેમજ ગુજરાતમાં પણ દોઢ લાખ આવાસો લાભાર્થીઓને ફળવાયા છે ત્યારે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને વડાપ્રધાનશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે તેમણે સ્ત્રી સશક્તિકરણ અને નારી ગૌરવ, નારી મહત્વ તેમજ નારી સન્માનની ભારતની પરંપરાને યાદ કરી  દુનિયાભરમાં પુત્ર સાથે પિતાનું નામ જોડાય છે જયારે ભારતમાં વીર પુરુષો સાથે નારીનું માતાનું નામ જોડાય છે એમ જણાવી ભગવાન કૃષ્ણનું નામ દેવકીનંદન અને અર્જુનનું કુંતી પુત્ર અને હનુમાનજીનું અંજનિપુત્ર હોવાનું જણાવી નારી મહિમાને વંદન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવલી નવરાત્રીના પાંચમા નોરતે આદ્યશક્તિ મા અંબાના ધામથી ગુજરાતને રૂ. ૬,૯૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી છે. જેનાથી ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પશક્તિ બન્ને ઉજાગર થઇ છે. તેમણે કહ્યું હતું કે ભારતભરમાં ‘અંત્યોદયથી સર્વોદય’નો વિચાર મૂર્તિમંત કરનારા વિકાસપુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઇએ જનકલ્યાણના આપણા સંકલ્પને નવી શક્તિ-નવી ઊર્જા પ્રદાન કરી છે. દેશના રોલમોડેલ સ્ટેટ ગુજરાતના વિકાસનું વટવૃક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પરસેવાથી સિંચ્યું છે. એમાંય છેલ્લા ૮ વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ ડબલ એન્જિન સરકારને કારણે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં ૪ લાખ ગ્રામીણ અને ૭ લાખથી વધુ શહેરી ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને પોતાના આવાસ મળ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓના રૂ.૧૮૦૦ કરોડના કુલ ૫૩ હજાર જેટલાં નવા આવાસોનું લોકાર્પણ કરાયું છે અને રૂપિયા ૧૧૬ કરોડના ૮૬૦૦ આવાસોનું ખાતમુહૂર્ત થયું છે તથા ૫૦ હજારથી વધારે પરિવારો આવનારી દિવાળીએ પોતાના ઘરના ઘરમાં દિવડા પ્રગટાવી આનંદ ઉલ્લાસથી પોતીકા ઘરે દિવાળી મનાવશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબોના આંસુ લૂછનારી, જરૂરતમંદની પડખે રહેનારી, સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલનારી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી આ સરકાર સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સત્તાને સેવાનું માધ્યમ બનાવી ચાલતી સરકાર છે.

તેમણે કહ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં ગૌ-ગંગા ગાયત્રી અને ગીતાનો મહિમા ગવાયો છે તેને ઉજાગર કરતાં આજે આદ્યશક્તિ ધામ અંબાજીના આંગણેથી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ધરાવતી ગાય અને ગૌ-વંશના નિભાવ માટે મહત્વપૂર્ણ એવી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રીએ ગૌ માતા અને ગૌવંશ પ્રત્યેની પોતાની આગવી સંવેદનાનો પરિચય આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાથી કરાવ્યો છે. અબોલ પશુઓની સેવા ભાવનાની વાત હોય, ગરીબ-જરૂરતમંદ લોકોને મદદ-સહાય કે ઔદ્યોગિક વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ હોય ગુજરાત વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં, ‘સૌના સાથ-સૌના વિકાસ”ની રાહે આગળ વધી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે બે લાખ ૧૯ હજાર કિ.મી જેટલા રોડ રસ્તા સહિત રેલ્વે, વોટર-વે, એર-વે દરેક ક્ષેત્રે કનેક્ટિવીટીનું સુદ્રઢ માળખું વિકસાવ્યું છે. આજે એ કડીમાં વધુ એક નવું પ્રકરણ વડાપ્રધાનશ્રી અંબાજી બાયપાસ રોડના ખાતમૂર્હતથી જોડ્યું છે. રૂ. ૧૨૪ કરોડના ખર્ચે નિર્માણ થનારા આ બાયપાસ રોડને પરિણામે અંબાજીમાં હેવી ટ્રાફિકનું નિવારણ થઇ શકશે. મીઠા-થરાદ-ડીસા અને લાખણી ફોર લેન રોડ પણ વડાપ્રધાનશ્રીના વરદહસ્તે આજે ખુલ્લો મૂકાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના નાગરિકોની વર્ષોથી માંગણી હતી કે તારંગા હિલ, અંબાજી અને આબુરોડને જોડતી રેલવેલાઈન શરૂ કરવામાં આવે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આ માંગણીને સ્વીકારીને તારંગા-આબુ રોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી અને આજે તેનું ભૂમિપૂજન પણ નવરાત્રીના પાવન પર્વમાં તેમના હસ્તે થયું છે.આ રેલવે લાઇન મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ કરશે. આ રેલ પરિયોજનાથી ગુજરાતના માર્બલ ઉદ્યોગને નવું બળ મળશે. સાથોસાથ ધાર્મિક સ્થળો યાત્રાધામોએ આવનારા પ્રવાસીઓને નવી સુવિધા મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ ઉપરાંત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની ૧૩ કિલોમીટર લાંબી પાલનપુર- મહેસાણાની ૬૨ કિલોમીટર રેલ-લાઈનનું લોકાર્પણ તેઓ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસાદ યોજના દ્વારા ભારતના પ્રાચીન ધાર્મિક સ્થળોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો રાહ ચિંધ્યો છે. આજે તેમના વરદ હસ્તે અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત રૂ. પર કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન થયું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અંબાજી સહિત અન્ય તીર્થક્ષેત્રોની કાયાપલટ કરી છે, પરિણામે ગુજરાત દેશનું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યુ છે. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવનારા જનનાયક શ્રી નરેન્દ્રભાઈનો ફરી એકવાર આપણે આ વિકાસકામોની ભેટ આપવા બદલ આભાર  માનું છુ તેમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની  વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની  વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 55 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવી દિવ્ય યોજના અંબાજી-તારંગા રેલવે લાઈનનું આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે રેલવે લાઈનનું સપનું સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અંબાજી અને તારંગા જૈન તીર્થને જોડતી રેલવે લાઈનથી યાત્રાળુઓને સુવિધા ઉપલબ્ધ થશે, સાથોસાથ વેપાર અને રોજગારીનું મોટે પાયે સર્જન થવાથી આ વિસ્તારનો ઝડપી વિકાસ થશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખશ્રી સી.આર.પાટીલ, મંત્રીશ્રીઓ સર્વશ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી રાઘવજી પટેલ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી પ્રદીપભાઇ પરમાર,શ્રી નરેશભાઇ પટેલ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી મનીષાબેન વકીલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી નિમીષાબેન સુથાર,સાંસદશ્રી પરબતભાઈ પટેલ, શ્રી ભરતસિંહ ડાભી અને શ્રી દિનેશ અનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સહિત અધિકારીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ સર્વશ્રી હરીભાઈ ચૌધરી, શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી કેશાજી ચૌહાણ સહિત  પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *