મોરબી : 135 લોકોનો જીવ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજથી તપાસ વેગવંતી બની હોવાના અણસારો વચ્ચે તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
મોરબીમા 30 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પુલ રીનોવેશન કરવાની સાથે સાર સંભાળની જવાબદારી લેનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ અને ધરપકડ બાદ તપાસનો દૌર આજે આગળ વધ્યો હોય તેમ નાયબ જિલ્લા પોલીસવડા અને તપાસનીશ અધિકારી દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ કોઈપણ કરાર કે કોન્ટ્રાકટ માટે જનરલ બોર્ડની મંજૂરી જરૂરી હોય છે પરંતુ ઝૂલતો પુલ રીપેરીંગ અને પુનઃ શરૂ કરવાના આ કિસ્સામાં જનરલ બોર્ડ જ મળ્યું ન હોય ઠરાવ કર્યા વગર જ બારોબાર ઓરેવા કંપનીને કામ સોંપી દેવામાં આવ્યું હોય તે સહિતની બાબતોને લઇ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
અહેવાલ અભિષેક પારેખ મોરબી