Breaking NewsLatest

“મારી માટી- મારો દેશ”

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં “મારી માટી- મારો દેશ” અભિયાન અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપતા મંત્રીશ્રી

‘મારી માટી- મારો દેશ’ અભિયાનને સફળ બનાવવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા આયોજન કરાયું

“મારી માટી- મારો દેશ” કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની દરેક લોકોને તક મળી છે : મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો દેશ” કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરવાનો કાર્યક્રમ છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વને અનોખી રીતે ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યું છે

ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવો હેતુ છે. આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદીનું મહત્વ પહોંચાડીએ. શાળા કક્ષાએ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીતની સ્પર્ધા જેવા  અવનવા કાર્યક્રમોના આયોજન કરવા અંગે જણાવ્યું હતું.

તા. ૦૯ થી તા. ૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, જેમાં ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.

બેઠકમાં મંત્રીશ્રીને “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં થઈ રહેલી વિવિધ તૈયારીઓનો ચિતાર આપવામાં આપ્યો હતો.

બેઠકમાં મેયર શ્રી કીર્તિબાળા દાણીધારીયા, ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશનરશ્રી પી. જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, શ્રી અભયસિંહ ચૌહાણ સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 660

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *