સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે ઘોઘા, કુડા અને કોળીયાક ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ભૂતકાળમાં પણ કુદરતી હોનારતો સમયે આગવી અને કૂનેહપૂર્વકની કામગીરી માટે નામના મેળવેલી છે અને કુદરતી આપત્તિના સમયે તેમના અદમ્ય સાહસ અને નિપુણતાના સહારે મોટી જાનહાની નિવારી શકાય છે.
ઘોઘા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી.
તેમની આ મુલાકાતમાં ઘોઘાના મામલતદાર શ્રી એ.આર. ગઢવી પણ ટીમની સાથે રહ્યાં હતાં.