એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી આગામી તા.૦૯/૧૨/૨૦૨૪ ના સોમવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગોધરા તાલુકાના રામપુરા (કાંકણપુર) માં ફાર્મસી કોલેજની પાછળ આવેલ જી.આઇ.એ આઇ.ટી.આઇ, રામપુરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયમાં આવતાં હોય તેવા તમામ રોજગાર વાંચ્છુક પુરૂષ અને મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે રામપુરા (કાંકણપુર) ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતા કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.