મહાપુરૂષોની પ્રતિમાઓની સ્થાપના કરવાથી યુવા પેઢીને માર્ગદર્શન મળી રહેશે : સી.આર. પાટીલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિંમતનગર ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમા અને પાર્કનુ નામાનકરણ કાર્યક્રમ યોજાયો ગણતરીની મીનીટોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતમાં રૂ.૬૫ લાખની વધુની રકમ દાન સ્વરૂપે એકઠી થઇ
હિંમતનગર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાનુ ભૂમિપૂજન અને ભગવાન શ્રી પરશુરામ પાર્ક અને માર્ગનુ નામાનકરણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના વરદહસ્તે મંગળવારે હિંમતનગર ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે મહાપુરૂષોની પ્રતિમાઓની સ્થાપના કરવાથી યુવા પેઢીને માર્ગદર્શન મળી રહેશે. હિંમતનગરના ર્ડા.નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતમાં માત્ર ગણતરીની મીનીટીમાં રૂપિયા ૬૫ લાખથી વધુની રકમ દાન સ્વરૂપે એકઠી થઇ હતી.
સી.આર. પાટીલ દ્વારા મંચસ્થ મહાનુભાવોને સમાજ નિર્માણના કાર્યમાં દાન કરવા અપીલ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર શહેરમાં ભગવાન શ્રી પરશુરામની પ્રતિમા અને પાર્કનુ નામાનકરણ કરવા માટે છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતમાં હિંમતનગર ખાતે ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના મોતીપુરાથી પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલ દીક્ષિત ની આગેવાની
હેઠળ નિકળેલી ભવ્ય બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો સાથે અગ્રણીઓ પણ જોડાયા હતા. મોતીપુરાથી નિકળેલી બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર થઇને ટાવર ચોક ખાતે આવી પહોંચી હતી. જયાં આવેલા ભગવાન શ્રી પરશુરામ પાર્કમાં સી.આર. પાટીલના વરદહસ્તે તથા સમાજના અગ્રણી અતુલભાઇ દીક્ષિત પ્રફુલભાઈ વ્યાસ, મનોજભાઈ પુરોહિત, મુકેશભાઈ જાની, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિત, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર તથા પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલ દીક્ષિત ની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી પરશુરામની આકાર લઈ રહી છે
તેવી ભવ્ય પ્રતિમાનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. વૈદિકમંત્રોચ્ચાર સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન પ્રસંગે શહેરના નગરજનો અને શ્રેષ્ઠીઓ સાથે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા.
હિંમતનગર ટાઉન હોલ ખાતે સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે ભગવાન શ્રી પરશુરામના પત્ની રેણુકા દેવીનુ મંદિર મહારાષ્ટ્રમાં આવેલુ છે અને જે અમારી કુળદેવી છે. ત્યારે આજે સાબરકાંઠા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પ્રતિમાનુ જે ભૂમિપૂજન કરવાના કાર્યક્રમમાં મને લાભ મળ્યો છે તે મારૂ સૌભાગ્ય છે તેવુ હું માનુ છુ.
શહેરના મુખ્ય માર્ગો પર આવેલા વિસ્તારોમાં મહાપુરૂષોની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે તે જરૂરી છે. મહાપુરૂષોના જીવન ચરિત્ર્ય સાથે આ પ્રતિમાઓના દર્શન કરવાથી યુવા પેઢીને માર્ગદર્શની સાથે સાથે સમાજના કંઇક નવુ કરવા માટેની પ્રેરણા મળશે. સમાજ સંગઠીત બનશે તો દેશ પણ સંગઠન સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધશે.
સમગ્ર વિશ્વની નજર હાલ ભારત રાષ્ટ્ર પર મંડાયેલી છે. ત્યારે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના યશસ્વી પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી આજે વિશ્વ ગુરૂ તરીકે પોતાની આગવી શૈલીથી કાર્ય કરી રહ્યા છે. ત્યારે આવો આપણે સૌ તેમના ભગીરથ પ્રયાસોને સાકાર કરવા યથાયોગ્ય પ્રયાસ કરીએ.
રાજનીતીમાં ચાણકય સહિતના લોકોની એક આગવી ઓળખ છે જે પણ બ્રાહ્મણ જ હતા. રાજા રજવાડાઓના સમયમાં માર્ગદર્શક તરીકે હંમેશા બ્રાહ્મણ સમાજના લોકો જ સંચાલન કરતા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલે પણ રૂપિયા ૧૧ લાખની માતબર રકમ પરશુરામ પ્રતિમાના અનાવરણ માટે દાન જાહેર કરી હતી અને ગણતરીની મીનીટોમાં રૂપિયા ૬૫ લાખથી રકમ એકઠી કરી દીધી હતી.
આ પ્રસંગે શહેરના શ્રેષ્ઠી અને ભામાશા તરીકે ઓળખાતા બાબુલાલ પુરોહિતે રૂપિયા ૫,૫૧,૦૦૦ની જાહેરાત કરતા અન્ય શ્રેષ્ઠીઓ પણ દાન કરવા માટે આગળ આવ્યા હતા.
આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણી અતુલભાઇ દિક્ષીત, જિલ્લા પ્રમુખ મનોજભાઇ પુરોહિત, રાજ્યકક્ષા ઉપપ્રમુખ પ્રફુલભાઇ વ્યાસ (કાથાવાલા), જિલ્લા મહામંત્રી વિજયભાઇ પંડયા, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઇ ગોર, નગરપાલિકાના ઉપપ્રમુખ અમૃતભાઇ પુરોહિત, ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલ દીક્ષિત ,હિંમતનગર બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ જાની, શહેર મહિલા પ્રમુખ ઇ ન્દુ બેન ,ભાવનાબેન પંડ્યા, કૃપાબેન ,ભારતીબેન વ્યાસ, યેવલા બીડી વાળા શેઠ મહેશભાઈ ઉપાધ્યાય, રાજ્યકક્ષા મંત્રી ઋષિરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.