દાંતા તાલુકાના અંબાજી શક્તિપીઠ થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત તળેટી પાસે જંગલમાં વર્ષોથી વસવાટ કરતા જોગી ભરથરી સમાજના લોકો અને તેમનાં બાળકો ગબ્બર પર્વત આસપાસ ભીખ માંગતા હતા ત્યારે શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ગરીબ બાળકોને ભીખ નહીં પણ ભણીએ સુત્ર દ્વારા અભ્યાસ માટે શાળામાં મોકલવામાં આવ્યા અને આ ગરીબ પરિવારો વર્ષોથી ગબ્બર આસપાસ કાચા ઝૂંપડામાં રહેતા હતા અને ચૂલા માં લાકડાના ધુમાડાથી ટેવાયા હતા અને ભોજન બનાવવાની કામગીરી કરતા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના અથાગ પ્રયત્નોથી ગબ્બર તળેટીમાં વસવાટ કરતા 101 જેટલા અલગ અલગ પરિવારોને માંગલ્ય વન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનો ફાળવવામાં આવ્યા હતા અને તેમને લાઈટની સુવિધા પણ આપવામાં આવી હતી,
પરંતુ આ લોકોના ઘરે ગેસ કનેક્શન ન હોવાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા 101 પરિવારોને આજે અંબાજીની એલ એચ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલ, સગડી અપાયા હતા.આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા અને તેમને અને તેમની સાથે રહેલા તમામ ગરીબ પરિવારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને પીએમ મારો પરિવાર સૂત્રો પણ પોકાર્યા હતા. ગરીબ પરિવાર ગેસના આવવાથી ઘણા ખુશ જોવા મળ્યા હતા.
આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ઉષાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે આ ગરીબ પરિવારોએ વર્ષોથી લાકડા અને ચૂલા ઉપર ભોજન બનાવ્યું છે અને રસોઈ બનાવી છે અને તેમની આંખો પણ વર્ષોથી આવા ધુમાડાથી ટેવાઈ ગઈ હતી આજે તેમના ઘરે ગેસ આવતા તેઓ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી