અંકલેશ્વર GIDC પોલીસે માહિતીના આધારે ભડકોદરામાં આવેલા સિદ્ધેશ્વરી બાંગલોઝમાં આવેલા એક મકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.96 હજારનો દારૂનો જથ્થો, 3 લાખની ગાડી અને મોબાઈલ રૂ.5 હજાર મળીને કુલ રૂ. 5.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને ઝડપી પાડીને અન્ય આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં ફરજ પર હાજર હતો. તે સમય દરમિયાન માહીતી મળી હતી કે, અંકલેશ્વરના ભડકોદરા ગામના સિદ્ધેશ્વરી બાંગલોઝમાં આવેલા મકાન નંબર 36 પાસે પાર્ક કરેલી કારમાં દારૂનો જથ્થો ભરેલો છે. જેથી પોલીસે તેમની ટીમ અને પંચો સાથે બતમીવાળા સ્થળ પર રેઇડ કરી હતી. પોલીસને સ્થળ પરથી મકાન નંબર 36ની બહાર પાર્ક કરેલી કાર મળી આવી હતી.
જે અંગે મકાન માલિક હેમરાજ કેસરીમલ માલીને પૂછતાં તેણે જણાવ્યું હતુ કે, આ કાર મારા ભાઈ અશોક કેસરીમલ માલીની છે. તે નેત્રગના કંબોડીયા ખાતે રહે છે. તેના બે મિત્રો આવીને આ કાર અહીંયા પાર્ક કરીને જતા રહ્યા હતાં.
જેથી પોલીસે સ્થળ પર હાજર હેમરાજ અને પંચોની હાજરીમાં કારને ખોલીને તલાશ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતા દારૂની બોટલ નંગ 576 કિંમત રૂ.86,400, બિયરના ટીન નંગ 96 કિમત રૂ.9600 મળીને કુલ રૂ.96,000 અને એક મોબાઈલ ફોન કિંમત રૂ.5 હજાર, એક કારની કિંમત રૂ.3 લાખ મળીને કુલ રૂ.5,01,000 નો મુદ્દામાલ કબ્જે કરીને હેમરાજ માલીની ધરપકડ કરીને બીજા ત્રણ આરોપીને વૉન્ટેડ જાહેર કરીને તેમને પકડી પાડવાની કવાયાત હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.