નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ*
પ્રથમ દિવસે લક્ષ્યાંકના ૮૭.૪૭ ટકા એટલે કે અંદાજિત ૨,૧૮,૮૮૫ બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા*
આણંદ, રવિવાર:: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આણંદના વડોદ ખાતે અને બોરસદ તાલુકાના દાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા આરોગ્ય કેન્દ્ર પામોલ ખાતે સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી હસ્તે પામોલ ખાતે અને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના હસ્તે વડોદ ખાતે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને સઘન પલ્સ પોલીયો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યુ હતુ.
સઘન પલ્સ પોલીયોના ત્રણ દિવસીય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશાબહેનો/આંગણવાડી બહેનો ત્રણ દિવસ સુધી પોલિયો રસી પીવડાવવાની કામગીરી કરશે. જેમાં તેમના દ્વારા પ્રથમ દિવસે બુથ કામગીરી કરવામાં આવશે જ્યારે બીજા અને ત્રીજા દિવસે બુથ દીઠ બે ટીમ બનાવીને ઘરે-ઘરે ફરીને પોલિયોની રસીથી વંચીત રહ્યા હોય તેવા તમામ બાળકોને પણ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ૧૧૪૧ બુથ, ૨૨૮૨ ટીમ, ૫૦૫૮ ટીમસભ્યો અને ૨૪૯ સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૨,૫૦,૨૫૪ બાળકોને રસી પિવડાવવામાં આવશે. જે લક્ષ્યાંક અંતર્ગત પ્રથમ દિવસે અંદાજિત ૨,૧૮,૮૮૫ એટલે કે લક્ષ્યાંકના ૮૭.૪૭ ટકા બાળકોને રસી પીવડાવામાં આવી હતી.
આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.દીપક પરમારના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં આણંદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે.ડી.પાઠક, બોરસદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.કે. ઝુલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, આશાબહેનો, આંગણવાડી બહેનો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ