અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી પહેલા રાજપૂતોના અધિકાર માટે કરણીસેના મેદાનમાં આવી છે અને તેના સંદર્ભે અમદાવાદમાં કરણીસેના દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જો રાજપૂત સમાજની માંગો પુરી નહીં થાય તો આગામી ૧૬ ઓક્ટોમ્બરના રોજ શક્તિ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે..
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રેસના માધ્યમથી આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજને દરેક પક્ષ સંતોષકારક પ્રતિનિધિત્વ આપે તેવી માંગણી કરી હતી આ ઉપરાંત ભાવનગર મહારાજા કષ્ણકુમાર સિંહજીની પ્રતિમા નવા બનતા સંસદ ભવનમાં મૂકીને તેમના ત્યાગનું યથોચિત સન્માન કરવાની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ છે.
આગામી વિધાનસભાની ચુંટણીમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વની માંગ દરેક પક્ષ પાસે કરવામાં આવી છે અને જે ક્ષત્રિય સમાજની માંગણીઓ સંતોષશે તેને જ સમાજ વોટ આપશે તેવું મહિપાલ સિંહએ જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી ૧૬ ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ઘોષણા પણ કરવામાં આવી હતી. સંમેલનમાં જેતે પાર્ટી તરફથી સમાજને મળેલ મહત્વને આધારે સમાજની રણનીતિ જાહેર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે ત્રણ વર્ષ પહેલાં કરી હતી તે માંગને પૂરી કરવા અને રજવાડા ઓ નું મ્યુઝિયમ કેવડીયા ખાતે લોક નજરે ચડે તે રીતના સ્થળે બનાવવા અને તે મ્યુઝિયમ ક્ષત્રિય સમાજ ના પ્રતિનિધિઓની એક કમિટી જેમાં ઈતિહાસ વિદો પણ હોય સામાજિક તટસ્થ આગેવાનો તેમજ રજવાડાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરી તે કમિટીના માર્ગદર્શન મુજબ મ્યુઝિયમ બને તેવી માંગ કરી ને સરકાર ને અપીલ કરેલ છે કે ક્ષત્રિય સમાજની માંગ આગામી ચૂંટણી પહેલાં સ્વીકારાય.
કરણી સેનાના ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્ર સિંહ જાડેજા (વિજાણ) ના નેતૃત્વમાં સંગઠનને મજબૂત કરવાની માહિપાલસિંહ દ્વારા જાહેરાત કરાઈ હતી. ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સ માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્ર સિંહ જાડેજા તેમજ કરણી સેના ના પ્રદેશ આગેવાનો ભરત ભાઈ કાઠી, દોલુભા જાડેજા તેમજ કૃષ્ણ સિંહ જાડેજા વગેરે કરણી સેનાના પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા