પંચમહાલ,વિનોદ રાવળ,એબીએનએસ::
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનના હવે ફક્ત બે દિવસ છે.ત્યારે ગોધરા નગરમાં તેની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે અને રાખડીઓ, મીઠાઈઓ, અને પૂજા સામગ્રીની દુકાનો પર લોકોની અવરજવરથી તહેવારનો માહોલ જીવંત બન્યો છે.
ગોધરાના મુખ્ય બજારોમાં આવેલી રાખડીની દુકાનો વિવિધ પ્રકારની રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજી ગઈ છે. અહીં પરંપરાગત રેશમના દોરાથી બનેલી રાખડીઓ ઉપરાંત, મોતી, સ્ટોન, કુંદન અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાંથી બનેલી ડિઝાઈનર રાખડીઓ પણ ઉપલબ્ધ છે.
બાળકો માટે ખાસ કાર્ટૂન કેરેક્ટર્સ, સુપરહીરો અને નવીન ડિઝાઈનવાળી રાખડીઓ બજારમાં છવાઈ ગઈ છે.જે નાના ભૂલકાંઓને ખૂબ આકર્ષી રહી છે. દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે નવીનતમ ડિઝાઈનો અને ઓફર્સ પણ રજૂ કરી રહ્યા છે.
રક્ષાબંધનનો તહેવાર મીઠાઈ વિના અધૂરો છે તેથી નગરમાં મીઠાઈની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પેંડા, બરફી, ગુલાબજાંબુ, અને લાડુ જેવી પરંપરાગત મીઠાઈઓ ઉપરાંત નવીન ફ્લેવર્સ અને ડિઝાઈનની મીઠાઈઓ પણ ખરીદી રહ્યા છે.
આ ઉપરાંત ભાઈ-બહેનના પ્રેમની ભેટ આપવા માટે ગિફ્ટ આઈટમ્સની પણ ખૂબ માંગ છે. બહેનો તેમના ભાઈઓ માટે અને ભાઈઓ તેમની બહેનો માટે કપડાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પર્સ, અને જ્વેલરી જેવી વિવિધ ગિફ્ટ આઈટમ્સની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
નગરમાં ગૃહિણીઓ પણ તહેવારની તૈયારીઓમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. તેઓ ઘરની સજાવટ, રક્ષાબંધનની પૂજાની થાળીની તૈયારીઓ, અને પોતાના ભાઈઓ માટે મનપસંદ વાનગીઓ બનાવવામાં લાગી ગઈ છે. ઘરોમાં ખીર, પુરી, અને પકવાન જેવી વાનગીઓની સુગંધ પ્રસરી રહી છે.
જે તહેવારના આગમનની પ્રતીતિ કરાવી રહી છે. શહેરમાં રક્ષાબંધનના પર્વને એકંદરે ખુશીનો અને ઉજવણીનો માહોલ છવાયો છે.