વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GEC સુરત દ્વારા “ભૂગર્ભ જળ સંરક્ષણ માટે વરસાદી પાણીના સંગ્રહની ભૂમિકા” વિષય પર જળ સંસાધન એન્જિનિયરિંગના પ્રોફેસર અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ, DCE, SVNIT સુરતના નિષ્ણાત ડૉ.એસ.એમ. યાદવ દ્વારા નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ડૉ. યાદવે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે તમારી પેઢીને કેવા પ્રકારની “પૃથ્વી” ભેટ આપવા માંગો છો. તેમણે સમગ્ર વિશ્વમાં તાજા પાણીની સ્થિતિ વિશે અને વિશ્વના ઘણા વિસ્તારોમાં પાણીના અભાવ વિશે સમજાવ્યું હતું. પ્રોફેસર યાદવે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે રેઈન વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી જળ) ભૂગર્ભ જળ સંરક્ષણ માટે કેવી રીતે મદદ રૂપ થઈ શકે છે.
નીતિ આયોગના અહેવાલ મુજબ 2030 સુધીમાં ભારતના ઘણા શહેરોમાં ભૂગર્ભ જળ સમાપ્ત થઈ શકે છે. તેમણે ચેન્નાઈ શહેરનું ઉદાહરણ આપ્યું છે. 19મી જૂન 2019 ના રોજ ચેન્નઈ સત્તાવાળાઓએ “ડે ઝીરો” જાહેર કર્યું હતું. આનો અર્થ એ થયો કે ત્યાં લોકો ના ઘર સુધી પહોચાડવા માટે પાણી નથી.
સતત ત્રણ દુષ્કાળને કારણે ચેન્નાઈના નાગરિકો ને આ મુશ્કેલ સમય જોવો પડ્યો હતો. ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા માટે વરસાદી પાણીના સંગ્રહનો ઉપયોગ કરીને આવી સમસ્યા નિવારી શકાય. રિચાર્જ એ એક મુખ્ય ઉપાય છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે સુરતના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. જો કે, તેઓ સૂચિત બેરેજના નિર્માણ પછી તાપી નદીના બંને કાંઠે ભૂગર્ભ જળ રિચાર્જ અંગે હકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જલ શક્તિ મંત્રાલય, અમૃત સરોવર જેવી યોજનાઓ દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવા તેમજ જળાશયો બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે.
તેમણે દર્શાવ્યું કે ત્યજી દેવાયેલા(ઉપયોગ માં ના લેવાતા) બોરવેલનો રિચાર્જ બોરવેલ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા કે “વૈશ્વિક સ્તરે ભવિષ્યના વ્યવસાય કોમોડિટી તરીકે પાણી”નો વ્યાપાર થશે. તેમણે દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદાહરણ આપ્યું હતું કે જ્યાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે સેંકડો રિચાર્જ વેલ બનાવવામાં આવ્યા છે.
તેવી જ રીતે, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં અંદાજે 300 રિચાર્જ કુવાઓના નિર્માણ દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરની વિગતોની માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને આ પ્રસંગે પાણીને “બચાવ” અને “સંરક્ષણ” કરવાના શપથ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું સંકલન પ્રો.દર્શન મહેતા અને પ્રો.પાર્થ ટંડેલ દ્વારા સિવિલ હેડ ડૉ.સાહિતા વાયખોમ અને પ્રિન્સિપાલ ડૉ.સંજય જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.