જામનગર: સરકારી કાર્યક્રમોમાં પત્રકારોની વ્યવસ્થા અને અવગણના અંગે જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેના મુજબ જામનગરમાં સરકારી કાર્યક્રમો દરમિયાન મોટાભાગે પત્રકારો માટેની વ્યવસ્થા સુપેરે કરવામાં આવતી નથી અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને કવરેજ માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ માન-સન્માન પણ જળવાતું નથી.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જામનગરની ભાગોળે ગોરધનપર નજીક ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ખાત મુહુર્ત કાર્યક્રમ પ્રસંગે પણ મીડિયા કર્મીઓ માટે યોગ્ય વ્યવસ્થાનો ચોક્કસ અભાવ જોવા મળ્યો હતો અને જવાબદારી સોંપાયેલ એજન્સી દ્વારા પણ કોઈ સહયોગ આપવામાં આવ્યો ન હતો.
તાજેતરમાં જ રવિવારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલી વિરાંજલી કાર્યક્રમ દરમિયાન પણ પત્રકારોના બેઠક વ્યવસ્થા તેમજ કવરેજ માટેની વ્યવસ્થાને લઈને અંતિમ ક્ષણ સુધી કોઈ જ તસ્દી લેવામાં આવી ન હતી. જ્યાં પણ પત્રકારોના માન સન્માનને ઠેસ પહોંચે તે પ્રકારની ઘટના ફરી એકવાર બની છે. સરકારી કાર્યક્રમ હોવા છતાં પણ સ્ટેજ ઉપરથી પત્રકારોને અપમાનિત થાય તે પ્રકારે ઉદબોધન પણ કરવામાં આવ્યું હતું જે પણ ખૂબ નિંદનીય બાબત કહેવાય. અનેક કાર્યક્રમોમાં આવી પત્રકારોની અવગણના અને ઉપેક્ષા થતી હોય. ત્યારે સરકારી કાર્યક્રમો દરમિયાન માહિતી ખાતાને પણ આ અંગે યોગ્ય સૂચનાઓ આપવી જોઈએ કે આમંત્રણ તેમજ પ્રેસ માહિતી મેળવવા માટે માહિતી ખાતા સુધી પત્રકારોને મેસેજ મારફતે બોલાવવામાં આવે છે જે પણ યોગ્ય ન કહેવાય.
અગાઉ પત્રકારોને મીડિયા હાઉસ સુધી માહિતી અને કાર્યક્રમોના આમંત્રણ, પાસ પહોંચાડવામાં આવતા હતા. જે વ્યવસ્થા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે પત્રકારોની સરકારી કાર્યક્રમ દરમિયાન થતી વારંવાર ઉપેક્ષાને ધ્યાને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અગાઉના કાર્યક્રમોમાં પત્રકારોની વ્યવસ્થા ન જાળવવા પાછળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ જામનગર કલેક્ટર સૌરભ પારધી દ્વારા આગળના સમયમાં આ બાબતે ખાસ ધ્યાન રાખવા માટે જે તે અધિકારીઓને ધ્યાન દોરવામાં આવશે અને આ બાબતે ધ્યાન તેંમજ સૂચન આપવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.