આ સૃષ્ટિ પરના દરેક જીવ ને પોત પોતાનું ઉત્તરદાયિત્વ હોય છે અને તે બજાવવા માટે સતત જાગતા રહેવું પડે છે.ઉત્તરદાયિત્વ એટલે પોતાની ફરજના ભાગરૂપે મળેલી જવાબદારી.નાના બાળક થી માંડી ને બધાને પોતાનું ઉત્તરદાયિત્વ બજાવવાનું હોય છે.
જવાબદારી એ વિકાસ માટેનો મોટો સ્ત્રોત છે.જ્યાં જવાબદારી છે ત્યાં જ વિકાસ છે.જે લોકો જવાબદારીથી દૂર ભાગે છે અથવા દૂર રહે છે,તેવા વ્યક્તિઓ જીવનમાં કદાપિ વિકાસ થઈ શકતો નથી.દરેક વ્યક્તિના જીવનમાં જવાબદારી એ એક મહત્વની બાબત છે.હાથીને મણ અને કીડીને કણ માટેની જવાબદારી હોય છે.
તે પ્રમાણે પરિવારમાં જે વડીલ હોય તે વિશેષ જવાબદારી સંભાળી ને પરિવારનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે.જે જગતની જવાબદારી ઉપાડી શકે તેજ પોતાના શિર પર તાજ ધારણ કરી શકે.
દરેક વ્યક્તિના જીવનની મહત્વની બાબતોમાં જવાબદારી એ એક અગત્યનો મુદ્દો છે.આ બાબત પર સમાજમાં બે પ્રકારની વિચારધારાઓ જોવા મળે છે.એક વર્ગ એવું વિચારે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ બાબતે હકીકતમાં જવાબદાર નથી.
તેમના મતે કોઈ પણ વ્યક્તિના અહિત માટે સમાજ અને સરકાર વગેરે જવાબદાર છે.બીજો વર્ગ એવું માને છે કે વ્યક્તિગત સ્વતંત્રતાના સમાજમાં કોઈપણ વસ્તુ માટે વ્યક્તિ જવાબદાર છે.
જીવનમાં તમે જેટલી વધારે જવાબદારી સ્વીકારો છો અને તેના માટે તમારી જાતને જવાબદાર ગણો છો,ત્યારે બીજા લોકો તમને મદદ કરવા તૈયાર થાય છે.પરંતુ,તમે જો ઓછી જવાબદારી લો છો અને તેના માટે બીજાને જવાબદાર ગણો છો,બહુ ઓછા લોકો તમને મદદ કરવા તૈયાર થશે.
આપણે ત્યાં આ બાબતે વાસ્તવિકતા એ છે કે ,મોટા ભાગના લોકો પોતાની જવાબદારી બીજા પર ઢોળવા માંગતા હોય છે.ત્યારે આ લોકો તેમના ભાગ્યને ઠોકર મારે છે.માટે જવાબદારીને હસતા મોંએ સ્વીકારી લેવી જોઈએ.
Accountability is the source of progress in life journey.
આપણે સૌ જાણીએ છીએ કે જેને જવાબદારીને જ પોતાનો મંત્ર માન્યો છે તે લોકો સફળ થયા છે.ભારતને ૧૯૮૩ માં વર્લ્ડકપ જીત્યો તે ટીમના આગેવાન તરીકે કપિલદેવે જવાબદારી પોતાના પર ઉપાડી.
આ જવાબદારીના કારણે જ કપિલદેવે અદ્ભૂત શક્તિનું પ્રદર્શન કર્યું અને તેની અંદર રહેલો જોમ બહાર આવ્યો અને મુશ્કેલીમાં મુકાયેલ ભારતીય ટીમ ને બહાર કાઢતાં ૧૭૫ રનનો અપ્રતિમ જુમલો કપિલદેવે ખડકયો અને ભારતને વર્લ્ડકપ જીતાડયો.રામાયણમાં સીતાજીની શોધનો પ્રસંગ જ્યારે આવ્યો ત્યારે હનુમાનજીએ જવાબદારી ઉપાડી.
આમ હનુમાનજી ઉપર મોટી જવાબદારી આવી પડી,ત્યારે જ તેમની અંદર રહેલી અદભુત શક્તિઓને બહાર આવવાનો સમય પાક્યો અને જાંબુવને હનુમાનજીને તેમની શક્તિઓથી વાકેફ કર્યાં અને હનુમાનજીએ સાત સમંદર પાર કરીને સીતા માતાની ખોજનું મહાન કાર્ય પૂર્ણ કર્યું.
આના પરિણામ રૂપે સુંદરકાંડ જેવો મહાન અધ્યાય રામાયણનું નવનીત બન્યો.આ ઉપરાંત રામના પ્રિય ભક્ત તરીકે પોતાની જવાબ દારી સમજીને લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ જાય છે ત્યારે અશ્વિનીકુમારો ના કહ્યા મુજબ લક્ષ્મણ ને સજીવન કરવા માટે સંજીવીની લેવા માટે હજારો યોજન વાયુવેગે ઉડીને જડીબુટ્ટી લાવે છે અને પોતાની જવાબદારીને નિષ્ઠા થી નિભાવે છે અને રામ ને પ્રિય થાય છે.
જ્યારે કોઈ ક્ષેત્રેમાં પરિવર્તન કે બદલાવ લાવવો હોય ત્યારે તે સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓએ પોતાનું ઉત્તરદાયિત્વ પ્રેમથી નિભાવવું જોઈએ ત્યારેજ સંસ્થાનો વિકાસ થાય છે. માટે હંમેશા પોતાના કામની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.
મોટી સંસ્થાઓની ટોચના ના માણસો, સંસ્થા પોતાની જ છે,તે રીતે જવાબદારી લેતા હોય છે.શિક્ષણ સંસ્થાનો સર્વાંગી વિકાસ કરવો હોય તો સંસ્થા સાથે જોડાયેલ સેવકભાઈ થી માંડી ને આચાર્ય ,શિક્ષકો અને કેળવણી મંડળના દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તે મહત્વનું છે.
કોઈ પણ કામ માટે કદાપિ બહાના ના બતાવશો અને કદાપિ એવું ના વિચારવું જોઈએ કે ,આ કામ મારુ નથી.આમ,ટીમની સાથે સંસ્થા સાથે કે પરિવાર સાથે કે દેશના નેતા તરીકે કાર્ય કરતા સૌ પોતાના ઉત્તરદાયિત્વ પ્રત્યે વફાદાર રહે અને કાર્ય કરે તો સફળતા મળે.
આજ રીતે વિદ્યાર્થીઓ એ પોતાની ભણવાની અને આગળ વધવાની જવાબદારી પોતાના ઉપર ઉપાડવી પડશે ત્યારે જ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરીને નામના મેળવશે. આમ જવાબદારી એ વિકાસ અને પ્રગતિ માટેનો સૌથી મોટો સ્ત્રોત છે.
રિપોર્ટર પૂજા રાઠવા આણંદ