આણંદ, મંગળવાર :: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી આણંદ ખાતે રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત વિભાગોને જાહેરમાર્ગ પર અનુસરવાના થતાં માપદંડો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે જરૂરી માપદંડોનું પાલન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ સામરખા ચોકડીથી ભાલેજ તથા એક્સપ્રેસ હાઈવે તરફના માર્ગ પર બનતા “વાય” જંકશન અને ચીખોદરા-સારસા માર્ગ ઉપર જરૂરી માર્કીંગ અને સાઈનેજ ન હોવાને કારણે થતી સમસ્યાઓ અને સંભવિત અકસ્માતના સંજોગો બનતા હોઇ નિયમો મુજબની કામગીરીની સમીક્ષા અને એઆરટીઓ તરફથી ટ્રાફિક અંગે કરવામાં આવેલા લોકજાગૃતિની કામગીરી જેવાં મુદ્દાઓ કલેક્ટરશ્રી સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો/મુદ્દાઓ ને ધ્યાને લઈ સબંધિત વિભાગને તાકીદે યોગ્ય કામગીરી કરવાં જણાવ્યુ હતું.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ ઓડીસી લેન વાસદ નેશનલ હાઇવે પર ઓવર ડાઇમેન્શનલ કાર્ગો લેન ખૂલ્લી કરવામાં આવી, વાસદ ચાર રસ્તા ખાતે ટર્નીંગ રેડિયસ અને સર્ફેસિંગ કરવામાં આવી તેમજ વાસદ તારાપુર હાઈવે ઉપર સબંધિત વિભાગ દ્વારા સાઇનેજ તથા માર્કિંગ કરવા જેવી સકારાત્મક કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારી સર્વશ્રી વિમલ બારોટ, હેતલ ભાલીયા, નિરુપા ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ, ચીફ ઓફિસર સહિત અન્ય સબંધિત વિભાગ-કચેરીના અધિકારી હાજર રહ્યાં હતા.
રિપોર્ટ ભૂમિકા પંડયા આણંદ