તુલસી જયંતીના તૃતીય દિવસે સંગોષ્ઠી મણકો પાંચ અને છ સંપન્ન
તલગાજરડા
પુ. મોરારીબાપુની સન્નિધિમાં દર વર્ષે યોજાતાં તુલસી જન્મોત્સવનો તૃતીય દિવસનો સંગોષ્ઠિ મણકો પાંચ અને છ આજે સંપન્ન થયો.
સવારની સંગોષ્ઠી કથાવાચકો શ્રી પ્રભુ ગૌતમજી અને સુશ્રી ચિદમ્બરાભારતીજી-બુરઈના સંયુક્ત સંચાલન તળે યોજવામાં આવી.જેમાં શ્રી સુભાષ પાંડેજી- બીલાસપુર, બાલ વ્યાસ શ્રી શશી શેખરજી- કચ્છ,શ્રી સુદર્શનજી રામાયણી- છત્તીસગઢ,સુશ્રી અરુંધતી મિશ્રજી- વારાણસી, સુશ્રી મીરાંબાઈ- ચિત્રકૂટ,શ્રી ગોવિંદ શાસ્ત્રીજી -આઝમગઢ,શ્રી રાઘવેન્દ્ર પાંડેજી -વારાણસી શ્રીજુગલકિશોરજી- અયોધ્યા,શ્રી અભિષેક પાઠક -ચંદોલીશ્રી મનમોહન શરણજી- વૃંદાવન, અને છેલ્લે પૂજ્ય સ્વામી શ્રી મૈથિલી શરણજી- ઋષિકેશ તમામ વક્તાઓએ તુલસીજીના સાહિત્ય ન માત્ર રામચરિત માનસ બલકે વિનય પત્રિકા, ગ્રંથાવલી,દોહાવલી વગેરે કૃતિઓ પર પોતપોતાના સુંદર મંતવ્યો અને ભાવ પ્રગટ કર્યા. ઘણાં બધાં વિદ્વાનોએ આ પ્રકારના આયોજનને આવકારીને પોતે ખૂબ ધન્ય થયાં છે.
કદાચ ભારતમાં આ પ્રકારનું આયોજન એકમાત્ર મોરારીબાપુની સન્નિધીમાં યોજાય છે તેનો આનંદ વ્યક્ત કર્યો.
બેઠક બપોરની સંગોષ્ઠીના સંયોજકશ્રી વિદ્યાસાગર વ્યાસજી- વારાણસી હતાં. તુલસી એવોર્ડની પૂર્વ સંધ્યાએ જે વિદ્વાનોની વિવિધ પ્રકારના એવોર્ડથી ભાવવંદના થવાની છે તે મહાનુભાવો એ પોતાની ભાવનુંભૂતિ રજૂ કરી. તુલસી એવોર્ડ પ્રાપ્ત કરનારાં શ્રી રામ હૃદયદાસજી- ચિત્રકૂટે કહ્યું કે કથાઓ તો ઘણી બધી કરીએ છીએ પરંતુ અહીં આ મંચ સુધી પહોંચવાની કદાચ યોગ્યતા પ્રાપ્ત કરી શક્યાં છીએ તેનો આનંદ છે. વ્યાસ એવોર્ડ મેળવનારા શ્રી શરદભાઈ વ્યાસે રૂપાવો અને માલણ નદીનો ઉલ્લેખ કરી પોતે આ જ વિસ્તારમાં ઉછર્યા હોવાનો અને તલગાજરડાથી ઘણું બધું પામ્યાનો સંતોષ પ્રગટ કર્યો.
તેમણે કહ્યું કે ભાગવત સમંદર છે અને હું તેમાં ડૂબી ગયો છું. કૃષ્ણ સ્વધામ ગયાં તેમ લખ્યું છે પરંતુ ભાગવતના સ્વરૂપમાં તે આપણી વચ્ચે જ લીલા કરતા દેખાઈ રહ્યાં છે. તુલસી એવોર્ડ પ્રાપ્ત કરનાર રમાબેન હરિયાણીએ કહ્યું કે મનુષ્ય શરીરને સદગુરુ દેવના આશીર્વાદથી શું શું નથી મળ્યું ? તેઓએ ત્રણસોથી પણ વધુ કથાઓ કરવા માટેનું બળ પુ. મોરારીબાપુએ પૂરું પાડ્યાનો ઘટસ્પોફ કર્યો. એટલું જ નહીં તેમણે કહ્યું કે બે વખત 108 માનસનું પારાયણ ઘરે બેસીને સતત કર્યું છે. તેથી લાગે છે કે મંગલાચરણમાં નવ વંદના છે અને તેમાં પાંચમી વંદના એ સદગુરુ દેવના મંત્રની છે અને તેથી તે સાથે રાખવી જોઈએ.વાલ્મિકિ એવોર્ડ વિજેતા રામાયણ સિરિયલ ના નિર્માતા શ્રી સ્વ. રામાનંદ સાગરના પુત્ર પ્રેમસાગરે ભાવુકતાથી કહ્યું આ સવૅધર્મ સિરિયલ હતી.તેને અનહદ પ્રેમ મળ્યો છે.
વાલ્મિકિ એવોર્ડ વિજેતા શ્રી વિજયશંકર પંડ્યા એ કહ્યું કે પોતાને આ પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખૂબ આનંદ પ્રાપ્ત થયો. તેથી સવારની બેઠકમાં હું માત્ર 10 મિનિટ બેસવા આવ્યો હતો. પરંતુ ઉભો જ ન થઈ શક્યો. આ ઉપરાંત તુલસી એવોર્ડ વિજેતા શ્રી મુરલીધરજી મહારાજ- ઓમકારેશ્વર, વાલ્મીકિ એવોર્ડ મેળવનાર સંતશ્રી માધવાચાયૅ મહારાજ અને વ્યાસ એવોર્ડ વિજેતા શ્રી મૃદુલકૃષ્ણજી મહારાજે પણ પોતપોતાના ભાવો પ્રગટ કરીને રાજીપો વ્યક્ત કર્યો.
બપોરની બેઠકમાં પછી મોરારીબાપુએ સૌ નિમંત્રિત મહાનુભાવોને પોતાની જાતે ભાવપૂર્ણ ભોજનનો રસાસ્વાદ કરાવ્યો. આવતીકાલે તુલસી જયંતિના અવસરે સવારે 9:30 કલાકે વિવિધ મહાનુભાવોને એવોર્ડ આપીને તેમની ભાવવંદના કરવામાં આવશે અને મોરારીબાપુના અંતિમ-દિક્ષાતં પ્રવચન પછી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.