પંચમહાલ,વી.આર,એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં તા.૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.
સમાજમાં સંસ્કૃત અને તેના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આ એક સંસ્કૃત ગૌરવ યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોધરા ખાતેથી જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઇ કટારિયા,ધારાસભ્ય નિમિષાબેન સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ અને પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ.બી.પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયો હતો.
જેમાં વિવિધ શાળાઓના એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઋષિઓ, મુનિઓ, દેવીઓ અને ભારતીય પૌરાણિક કથાઓના પ્રખ્યાત આધ્યાત્મિક પાત્રોના પરંપરાગત પોશાક પણ ધારણ કરેલા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલનું બેન્ડ રેલીમાં આકર્ષણ ઊભુ કર્યુ હતુ.આ કાર્યક્રમમાં સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.૦૬ ઓગસ્ટથી તા.૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ત્રિ-દિવસીય ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.