પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા આવી
ભારતીય સંસ્કૃતિમાં આગવી ઓળખ સમા ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામા આવ્યું છે. બોત્સ્વાના ખાતેથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ગુજરાતના ગરબાનું નામાંકન પ્રાપ્ત થયું હતું. જેને અનુલક્ષીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.
આ કાર્યક્રમમાં શાબ્દિક પ્રવચન આપતા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોનીએ જણાવ્યું હતું કે આપણા પ્રાદેશિક નૃત્ય ગરબાને વિશ્વ ફલક ઉપર સ્થાન મળ્યું છે જે ખૂબ જ ગૌરવની વાત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આ ઉજવણી અંબાજી મંદિર ખાતે થઇ રહી છે એ વિશેષ મહત્વની બાબત છે.
આ ઉજવણીમાં વિવિઘ ગ્રૂપ એ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી તથા આદિવાસી આશ્રમ શાળા અંબાજીની બાળાઓએ ભાતીગળ ગરબા રમીને લોકોને અભિભૂત કરી દીધા હતા. યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્યની હેરીટેજમા સ્થાન થતી જાહેરાતનું ટેલીકાસ્ટ સ્ક્રીન ઉપર કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ લોકો નિહાળી અભિભૂત થયા હતા.
આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના ઇન્સ્પેક્ટરશ્રી પ્રવીણપુરી બાવા, સંગઠનના મહામંત્રીશ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, સંગઠનના અગ્રણીઓ, જિલ્લાના કલાકારો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામા માઈભક્તો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી