અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ પાથર્યા
ડૉ. જિજ્ઞાબા રાણાના દિગ્દર્શન અને દર્શનાબા વાળાના કુશળ સંચાલન હેઠળ બહેનોએ જીત્યું પ્રેક્ષકોનું દિલ
સાવરકુંડલા/અમરેલી:
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ‘યુવા ઉત્સવ’માં સાવરકુંડલાની કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓએ પોતાની અદભૂત કલા અને સમર્પણ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લા અને સૌરાષ્ટ્ર પ્રાંતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં છાત્રાલયની બહેનો દ્વારા પ્રસ્તુત કરાયેલ ‘ઓળીપો’ એકાંકી નાટકે રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ગૌરવવંતું શ્રેય હાંસલ કર્યું છે.
કલાત્મક અભિવ્યક્તિ અને સંવેદનશીલ પ્રસ્તુતિ
સૌરાષ્ટ્રની રસધાર પર આધારિત આ એકાંકીમાં આપણી સંસ્કૃતિ અને સમાજને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા. ડૉ. જિજ્ઞાબા રાણા (અધ્યાપક, ભક્તરાજ દાદા ખાચર કોલેજ) ના લેખન અને સુક્ષ્મ દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલ આ નાટકના જીવંત પાત્રો અને સંવેદનશીલ સંવાદોએ પ્રેક્ષકો તેમજ નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સમગ્ર પ્રસ્તુતિનું સફળ સંચાલન દર્શનાબા વાળા દ્વારા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. બહેનોના આત્મવિશ્વાસ અને ટીમવર્ક પાછળ તેમનું પ્રેરણારૂપ માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. આ સાથે જ કપોળ કન્યા છત્રાલયના સંચાલન મંડળ અને નીરૂપાબેન શાહનો પણ આ સિદ્ધિમાં અનન્ય ફાળો રહ્યો છે, જેઓ સતત બહેનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે. નાટકમાં વિવિધ પાત્રો દ્વારા જીવંત અભિનય કરનાર બહેનોની વિગત નીચે મુજબ છે
રુપી: ગોહિલ પ્રિયંશા મણી: રાઠોડ શ્રદ્ધા સાસુમાં: રામ અંકિતા મોંઘી: મકવાણા સેજલ જમની: નિમાવત હરસિદ્ધિ ગોવાળીયો: ગૌસ્વામી પ્રિયાંશી ગૌરી: ઘોઘારી કાવ્યા કૈલી: બલદાણીયા વિશ્વા ગોમતી: ડાંગર નિરાલી નથુ: વરિયા જાગૃતભાઈકપોળ કન્યા છત્રાલયની આ સિદ્ધિ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ, કલા પ્રત્યેનું સમર્પણ અને છાત્રાલયના સંસ્કારસભર શિક્ષણનો ઉત્કૃષ્ઠ પુરાવો છે. આ સફળતા બદલ સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ છે અને વિજેતા બહેનોને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
રિપોટર ટીનુભાઈ લલિયા ધારી
















