બાલદેવો ભવ:
——-
પાલિતાણાની શાળાના બાળકો માટે પ્રવેશોત્સવને સંસ્કારોત્સવ બનાવતું જૈન ગેમ્સ ગૃપ, લંડન
———
મોંઘવારીમાં સ્ટેશનરીના વિતરણ સાથે બાળકોના મુસ્કાનનું કારણ બન્યું
—–
રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે.
શાળા પ્રવેશ સાથે જે સૌથી પ્રાથમિક જરૂરિયાત પડે તેમાં એક નોટબુક છે, કે જેની અંદર શિક્ષક દ્વારા કરાવવામાં આવતો વિદ્યાભ્યાસ નોંધવામાં આવે છે અને તેના વારંવારના અભ્યાસ દ્વારા બાળકો પ્રાથમિક શિક્ષણને અજવાળે છે.
દિવસે- દિવસે સ્ટેશનરીના ભાવ વધતાં જાય છે. તેવાં સમયે ગ્રામ્ય સ્તરે આવેલી શાળાના વાલીઓને આવી નોટબુક ખરીદવાનું ભારણ ન પડે તે માટે પાલીતાણા ખાતે આવેલી જૈન ગેમ્સ ગૃપ, લંડન નામની સંસ્થા દ્વારા પાલિતાણા અને તેની આસપાસની શાળાઓમાં ૨૦ હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ:, પિતૃ દેવો ભવ:, તે જ રીતે બાલ દેવો ભવ: ની સૂક્તિને યથાર્થ કરતાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશતાં જ શૈક્ષણિક કીટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત આજે આ સંસ્થા દ્વારા નોટબુક પણ આપવામાં આવતા બાળકોના ચહેરા પર એક અનેરા પ્રકારની ખુશી વ્યાપી ગઈ હતી.
પાલિતાણામાં પ્રાથમિક શાળાના બાળકોને જૈન ગેમ્સ ગૃપ, લંડન દ્વારા માતૃ-પિતૃ વંદના અને સુવિચારો લખેલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેથી બાળકો શિક્ષણ સાથે સંસ્કાર પણ કેળવે અને સંસ્કૃતિનું જતન સંવર્ધન સમજે.
અહિંસાની તીર્થભૂમિ પાલિતાણામાં વધતી મોંઘવારીમાં પણ શેત્રુંજય યુવક મંડળના માધ્યમથી નાનાં નાનાં ભૂલકાઓને આ રીતે નોટબુકો આપી રાજી કરવામાં આવ્યાં હતાં.
પાલિતાણા અને તેની આજુબાજુની સરકારી તથા અનુદાનિત શાળામાં ૨૦ હજાર જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. ધોરણ-૩ થી ૮ ના બાળકોને ત્રણ ત્રણ બુક આપવામાં આવી.
સ્ટેશનરીની મોંઘવારી સામે શ્રી શેત્રુંજય ગિરિરાજ યુવક મંડળે આયોજન કરી દાતા પરિવાર જૈન ગેમ્સ ગૃપ, લંડનને મદદ કરવા આહવાન કર્યું હતું. જેનો સાનુકૂળ પ્રતિભાવ આપતાં આ સંસ્થા દ્વારા આ નોટબુકના માધ્યમથી બાળકોમાં સંસ્કારનું સિંચનનું સુંદર કાર્ય સાકાર કર્યું હતું.
આવાં, સેવાકીય કાર્યો દ્વારા બાલદેવો ભવ: સાથે પાલિતાણાની પવિત્ર અને અહિંસાની ભૂમિ પરોપકારની ભાવનાથી મ્હેકી રહી છે.
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર