અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી: કોરોના મહામારીમાં પણ વણથંભી રહી ડૉ. પંકજ નાગરની પદયાત્રા
આ વર્ષે ભાદરવી પૂનમના મેળાને વિશેષ યાદગાર બનાવવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રએ કરેલ આયોજન પ્રશંસનીય છે :ડો. પંકજ નાગર
શક્તિપીઠ અંબાજી ખાતે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. માં અંબામાં અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા લગભગ 25 લાખ જેટલા માઇભક્તોએ મેળા દરમિયાન માં ના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે કેટલાક માઇ ભક્તો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે.
આવા માઇ ભક્તોએ એકધારી અવિરત અને વણથંભી અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઇ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ માં અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા આસ્થા ડગી નથી. અને જગત જનની માં અંબાએ પણ પોતાના ભક્તો પર કૃપા વરસાવતા તેમની આ શ્રદ્ધાનું ફળ તેમને આપ્યું છે. આવા જ એક માઇ ભક્ત એટલે અમદાવાદના ડૉ. પંકજભાઈ નાગર…કે જેઓ સતત 34 વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે.
માં અંબા પ્રત્યેની તેમની આ અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદભુત અને વિરલ સિદ્ધિ ને પંકજભાઈએ પણ માં અંબાના આશીર્વાદ ગણાવી જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
તેમણે પોતાની 34 વર્ષની પદયાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છેક ૧૯૮૮ થી પોતાની પ્રથમ પદયાત્રા તેમણે પત્ની ગીરા નાગર સાથે શરુ કરેલી. ત્યારબાદ તેમની આ અવિરત આસ્થારૂપી પદયાત્રામાં તેમનો ડોકટર પુત્ર રોહન નાગર , પુત્રી રચના , અને લગભગ ૧૫ મિત્રોનું ગૃપ જોડાયેલુ. સમયાંતરે કેટલાક પદયાત્રી છુટા પડયા / બદલાયા અને નવા જોડાયા પરંતુ માત્ર ડો.પંકજ નાગરની અંબાજી પદયાત્રા અવિરત રહી.
34 વર્ષના વહાણા વાઈ ગયા જેમાં કેટલીયવાર પ્રતિકૂળ સંજોગો સર્જાયા, માં એ પરીક્ષા કરી અને યાત્રા ન થઈ શકે એવા સંજોગો ઉભા થયા પરંતુ તેમણે માં અંબા પ્રત્યેની ભક્તિ ટકાવી રાખી. કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન અંબાજી ખાતે મેળો યોજાઈ શક્યો ન હતો. પણ ડૉ. પંકજ ભાઈની પદયાત્રા ચાલુ રહી હતી. અને માનવ કલ્યાણ તેમજ વિશ્વ ને કોરોના જેવી મહામારીમાંથી ઉગારવા માં અંબાને પ્રાર્થના કરવા તેઓએ કોરોનાના સમયમાં પણ તેમની પદયાત્રા ચાલુ રાખી માં ના દર્શને આવ્યા હતા.
ચાલુ વર્ષે 34 મી અંબાજી પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી શ્રદ્ધા આસ્થાનું હિમાલય શિખર સર કર્યું છે. ત્યારે તેમની આ વિરલ સિદ્ધિની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે. તેમણે પોતાના આ સન્માનને માં અંબાના આશીર્વાદ ગણ્યા હતા અને માં અંબાએ જ આટલા વર્ષ સુધી તેમની શ્રદ્ધા ટકાવી રાખી છે તેમ કહ્યું હતું. તેમણે આ 34 વર્ષની યાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે એકવાર અસહ્ય ગરમીમાં ગબબરની ટોચે ચડવાનું હતું. પગના તળિયા બળી જાય એવી ગરમી હતી અમે એક ડગલું ચાલી શકીએ એમ ન હતા. ત્યારે અમે હળવા થવા ચા પીવા બેઠા અને વાત વાતમાં ચા વાળા ભાઈ એ કહ્યું કે માં અંબા બધું સારું કરશે.
અને એના શબ્દોએ ચમત્કાર સર્જ્યો હોય એમ કાળા વાદળો ઉમટી આવ્યા અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. માં એ કેટલીય વાર અમારી પદયાત્રાની અડચણોને આશીર્વાદમાં પલટી અમારી શ્રદ્ધાને નવું બળ પૂરું પાડ્યું છે. વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા મેળામાં કરવામાં આવેલું આયોજન વ્યવસ્થાઓ ની સરાહના કરી હતી. અંબાજી યાત્રા ધામની જોડતી નવી રેલવે લાઈન તારંગા -અંબાજી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખાસ આભાર માન્યો હતો. અને આ રેલવે લાઈનથી અંબાજી આવતા માઇ ભક્તોને યાત્રાની એક નવીન સુવિધા મળશે એમ તેમણે ઉમેર્યું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી