’ઓઇલ બોલ’ બનાવીને ગામમાં ભરાયેલાં ખાડામાં નાખ્યાં
એક નાનકડો પ્રયાસ ગામમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો ઘટાડશે અને લોકોના જીવનનું રક્ષણ કરશે
ભાવનગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા એક નવી પહેલ તરીકે નકામાં ઓઇલથી પલાડેલાં કાપડના ‘ઓઇલ બોલ’ બનાવીને ગામમાં પાણી ભરાયેલાં ખાડા- ખાબોચિયાઓમાં નાખીને મચ્છરની ઉત્પત્તિ અટકાવવાં માટેનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
તે અંતર્ગત સિહોર તાલુકાના રાજપરા ગામે મચ્છર ઉત્પત્તિ અટકાવવાં માટે ‘ઓઇલ બોલ’ બનાવીને ગામમાં ભરાયેલા ખાડાઓમાં તે નાખવામાં આવી રહ્યાં છે અને તે રીતે લોકોના જીવનનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ચોમાસાની ઋતુ અત્યારે પૂર બહારમાં છે ત્યારે પાણી ભરાઇ રહેતું હોય છે. આવી પાણી ભરાયેલી જગ્યાઓએ મચ્છરને વિકસીત થવાનું સાનુકૂળ વાતાવરણ મળતું હોય છે. તેથી મચ્છરનો ઉપદ્વવ વધતો હોય છે. આ મચ્છરની ઉત્પત્તિ અટકાવવાં માટે ‘ઓઇલ બોલ’ રામબાણ ઇલાજ સાબિત થઇ રહ્યાં છે.
સિહોર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિત, તાલુકા હેલ્થ વિઝિટર શ્રીમતી હસુમતીબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રાજપરા ગામે આશા ફેસેલીટેટર અને આશા બહેનો દ્વારા આ ઓઇલ બોલને વિવિધ ખાડાં- ખાબોચિયાઓમાં નાંખવામાં આવી રહ્યાં છે.
આ કામગીરીમાં મેડિકલ ઓફિસર શ્રી ડો. દર્શનભાઈ ઢેઢી, ડો. રૂપલબેન વૈષ્ણવ, ડો. સંજયભાઈ ખીમાણી, સુપરવાઇઝરશ્રી રામદેવસિંહનું માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ કાર્યને દિલથી કરીને લોકોના આરોગ્યની કાળજી લઈ રહ્યાં છે અને તેના કારણે મચ્છરોના ઉપદ્રવ સામે સુરક્ષાત્મક પગલાં પ્રયોજવામાં આવી રહ્યાં છે. આ માટે ગામના કૂવા, પાણીની ટાંકીઓમાં ક્લોરીનની ગોળીઓ નાંખીને પાણીને શુધ્ધ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ઘરે ઘરે પણ લોકોને ક્લોરીનની ગોળીઓ આપવામાં આવી રહી છે. જેથી લોકો તેમના ઘરના પાણીના પાત્રોમાં તે નાંખીને પાણીને વિષાણુઓથી મુક્ત બનાવી શુધ્ધ અને પીવાલાયક પાણી પી શકે.
આ કામગીરીને સફળ બનાવવાં માટે આરોગ્ય કર્મચારીશ્રી એ.કે. ભટ્ટનાગર, હસુમતીબેન કાકડીયા, સી.એચ.ઓ.શ્રી દેવયાનીબેન ગોંડલીયા, આશા ફેસીલીટેટરશ્રી સુનિતાબેન સોલંકી, આશાબહેનો સર્વશ્રી દયાબેન, મનિષાબેન, શોભનાબેન, રામુબેન, બિસ્મલ્લાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.