ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 જેટલા ગામો આવેલા છે. આ તાલુકામાં હજુ સુધી અનેક ગામોમાં વિકાસ પહોંચ્યો નથી અને આજે પણ આવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.
દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા શિયાવાડા ગામની વાત કરીએ તો આ ગામમાં 108 અને ખાનગી વાહનો આવી શકતા નથી. ગામમાં કાચો રસ્તો તો છે પરંતુ પાકો રસ્તો ન હોવાથી ચોમાસાની ઋતુમાં કાચા રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને લોકોને ચાલવામાં ભારે તકલીફ પડે છે અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ચાદરમાં ઊંચકીને ઘરના સભ્યો 1.5 km સુધી જાહેર માર્ગ સુધી લઈ જાય છે
ત્યારબાદ ત્યાંથી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ જવાયછે ત્યારે દર્દીને સારવાર મળતી હોય છે. શિયાવાડા ગામ માં 50 જેટલા ઘર આવેલા છે અને અહીં રહેતા લોકો વર્ષોથી પાકો રસ્તો ન હોવાના લીધે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સરકાર પાસે પાકા રસ્તાને લઈને ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
દાંતા તાલુકાના અનેક ગામોમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી ત્યારે દાંતા તાલુકાના વસી ગ્રુપ ગ્રામ પંચાયતના શિયાવાડા ગામની સમસ્યા સામે આવી છે, આ ગામમાં રહેતા લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ જ નિકાલ કાયમી ધોરણે લાવવામાં આવ્યો નથી.
શિયાવાડા ઠાકોર વાસના લોકોએ જણાવ્યું હતું કે ઘરેડા રોડ થી અમારા ઘર સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી અને આ કારણે જે હાલમાં કાચો રસ્તો છે તેમાં ચોમાસાની ઋતુમાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે અને આ કારણે અમને ચાલવામાં ભારે તકલીફ પડે છે અને કોઈ માણસ બીમાર થાય તો 108 જેવી ગાડી પણ અમારા ગામમાં આવી શકતી નથી અને કોઈ ખાનગી વાહનો પણ પાકા રસ્તા ન હોવાના લીધે આવી શકતા નથી
આ ગામમાં એક નાની બાળકી બીમાર પડતા તેને ચાદરમાં સુવડાવીને ઊંચકીને ઘરના સભ્યો પાણીમાંથી પસાર થઈને ઘરેડા રોડ સુધી ગયા હતા ત્યારબાદ ત્યાંથી ખાનગી વાહન દ્વારા બીમાર છોકરીને હોસ્પિટલ લઈ ગયા હતા આ ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં દિવસે કે રાત્રે કોઈપણ બીમાર પડે ત્યારે અમારે તેને ચાદરમાં ઊંચકીને લઈ જવો પડે છે અને ક્યારેક સારવાર મળવામા મોડું થાય તો દર્દીનો જીવ પણ જતો હોય છે અમને કાયમી ધોરણે નિકાલ આપો અને પાકો રસ્તો બનાવી આપો તેવી માંગ શિયાવાડા ઠાકોર વાસના લોકો કરી રહ્યા છે.
આ ગામના ચતુરજી ઠાકોર, ભારતીબેન ઠાકોર,ખુશી ઠાકોર અને વીરાજી ઠાકોર સહિત ગ્રામજનોએ પોતાની તકલીફો જણાવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી