કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને પત્રકારત્વ ક્ષેત્રે તેમની વિશિષ્ટ કામગીરી બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ નો જન્મ સને ૧૯૪૫માં સાબરકાંઠા જિલ્લાના આક્રુંડ નામના નાના ગામડામાં થયો. તેઓ શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિચારસરણી ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવતાં હતા.
તેમના પિતાશ્રી એક શિક્ષણપ્રેમી હતા અને બાળકોને સારી ઉચ્ચ કેળવણી મળે તે તેમના જીવન નો મુખ્ય ઉદેશ્ય હતો. આ માટે તેમણે પુત્ર શ્રી દેવેન્દ્રભાઈ માટે સમગ્ર ગુજરાત માં સારામાં સારું શિક્ષણ આપતી સર્વશ્રેષ્ઠ શાળા શોધવા માટે સઘન પ્રયાસો આદર્યા.
સમય જતાં પૂજ્ય લીનાબહેન દ્વારા અમદાવાદ ની દક્ષિણ-પૂર્વ માં સ્થપાયેલી તે સમયની પ્રતિષ્ઠિત શાળા એવી શ્રેયસ પ્રતિષ્ઠાન પર તેમણે પોતાની પસંદગી ઉતારી. અમદાવાદની શ્રેષ્ઠ શાળાઓમાં ગણાતી આ શાળા માં તે સમયે શહેર ના લબ્ધ પ્રતિષ્ઠિત પરિવાર ના સંતાનો અભ્યાસ માટે આવતાં.
શ્રેયસમાં આવ્યા પછી દેવેન્દ્રભાઈના શરૂઆતના વર્ષોમાં શ્રેયસનું સર્જનાત્મક અને પ્રયોગશીલ શિક્ષણ, શિક્ષકોની બેનમૂન કાર્યપ્રણાલી અને સાતત્યપૂર્ણ માર્ગદર્શન મળવાથી તેમનું પાયાનું ઘડતર ખુબ સુંદર રીતે થયુ. શિક્ષણમાં શ્રેયસના ઉદાર, માનવીય અને સર્વાંગી અભિગમે તેમનામાં સર્જનાત્મકતા, સહકાર, સહાનુભૂતિ અને મુક્તપણે પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનો આત્મવિશ્વાસ જગાવ્યો.
શ્રેયસના આ શરૂઆતના શૈક્ષણિક પ્રભાવોએ સામાજિક મુદ્દાઓ પ્રત્યે તેમની સંવેદનશીલતાને ચોક્કસ દિશા અને આકાર આપ્યો અને આગળ જતાં તેમના પત્રકારત્વના સિદ્ધાંતોનો તે મૂળ આધાર બન્યો. શ્રેયસના કુદરતી,ખુલ્લા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વાતાવરણમાં દેવેન્દ્રભાઈ પટેલે પોતાના આદરણીય શિક્ષકો પાસેથી વિશ્વભરની રસપ્રદ જાણકારી તેમજ દેશવિદેશની પ્રસિધ્ધ વાર્તાઓ, કથાનકો અને નાટકો સાંભળવાનું અને તેને લોકો સમક્ષ નિર્ભયતાથી અને સચ્ચાઈ પૂર્વક રજૂ કરવાનું શીખ્યા.
દાયકાઓ પહેલા શ્રેયસ ઓપન એર થિયેટર માં વિશ્વ પ્રસિદ્ધ લેખક હોમર કૃત ઈલીએડ નાટકને બાળકો ના પરિપ્રેક્ષ્યમાં રજુ કરવાની પરિકલ્પના સૌ પ્રથમ જયારે પૂજ્ય લીનાબહેન દ્વારા કરવામાં આવી અને તેની પરિકલ્પનાની શરૂઆતથી લઈને તેની રંગભૂમિ પર રજુઆત સુધીની એક વિદ્યાર્થી તરીકેની યાત્રા નો અનુભવ જો શ્રી દેવેન્દ્રભાઈ ના જ શબ્દો માં જોઈએ તો ઘણો અદભુત અને ચિરસ્મરણીય હતો, તેમણે પોતાના એક સાક્ષાત્કાર દરમ્યાન આ રસપ્રદ બાબત જણાવી હતી.
શ્રેયસ માં દરરોજ સવારે સંથાગાર માં સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમૂહ પ્રાર્થના તથા સંવાદ માટે એકત્રિત થતાં .અહીં પૂજ્ય લીનાબહેન બાળકો સાથે સીધો સંવાદ કરતા. સવારની સભા (મોર્નિંગ એસેમ્બલી) ના આ સત્ર ને “એક હૈં” તરીકે પણ ઓળખવામાં આવતું.
જ્યાં વિવિધ પ્રકારના અવનવા વિષયો પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને સંવાદ થતો. દેશવિદેશ ના સારા પુસ્તકો અને નાટકો વિષે વિદ્યાર્થીઓ સાથે ચિંતન,મનન અને રસપ્રદ ગોષ્ટી થતી. એટલુંજ નહીં આ વિષય પર વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન પોતાની રીતે પણ વાંચન અને અભ્યાસ કરવાનો રહેતો.
જેમાં જે તે નાટકના પાત્રો, તેની ભાષા- સંસ્કૃતિ, પાત્રોના મેકઅપ, તેના પોશાકો,સુંદર અલંકારો, તેમજ તેનાં પરંપરાગત ગીત , સંગીત અને નૃત્યો વગેરે જેવા અનેક પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો રહેતો, અને વર્ષને અંતે જયારે જે તે પ્રદેશ, રાજ્ય કે દેશના સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય ત્યારે બાળકો તેને કર્ણપ્રીય સંગીત, નાટ્ય, નૃત્ય અને સુંદર પ્રકાશ આયોજન ની મદદથી સ્ટેજ પર જીવંત રીતે રજુ કરતાં.
આમ શિક્ષણ, સાહિત્ય અને રંગભૂમિ ને શ્રેયસ માં એકજ છત્રછાયા હેઠળ લાવવાનું બેનમૂન કાર્ય પૂજ્ય લીનાબહેન દ્વારા કરવામાં આવ્યું . આવા વૈવિધ્યસભર શાળાકીય અનુભવોએ દેવેન્દ્રભાઈનાવ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતરમાં ખુબ મહત્વ ની ભૂમિકા અદા કરી. માનવ જીવન ના આ આદર્શો ,લાગણીઓ અને ભાવો તેમની લાંબા સમયથી ચાલતી અને વ્યાપકપણે વંચાતી માનવકેન્દ્રિત કોલમ “કભી કભી” માં ખુબ સુંદર રીતે પ્રગટ થાય છે.
શાસ્ત્રીય સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા દેવેન્દ્રભાઈએ સુપ્રસિદ્ધ કવિ હોમર દ્વારા લખાયેલા પ્રાચીન ગ્રીક મહાકાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું..
શ્રેયસમાં શાળાકીય શિક્ષણ પછી તેમણે સેન્ટ ઝેવિયસ કોલેજમાંથી બેચલર્સનું શિક્ષણ મેળવ્યું ,પરંતુ હજુ પણ શ્રેયસમાં તેમણે મેળવેલા માનવીય મૂલ્યો અને અંતરદૃષ્ટિ સદાય તેમના માર્ગદર્શક બળ બની રહ્યા. પછી ગુજરાત સમાચાર દૈનિકમાં વરિષ્ટ પત્રકાર તથા સંદેશમાં સંપાદકીય સલાહકાર તરીકે કામ કરીને, તેઓ માત્ર એક પત્રકાર જ નહીં પરંતુ એક વિચારશીલ અને સામાજિક રીતે સભાન લેખક તરીકે પણ જાણીતા બન્યા.
તેમણે ઘણીવાર સ્વીકાર્યું છે કે શ્રેયસે તેમને એક ઊમદા વ્યક્તિ બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અવાજહીનોને અવાજ આપવા, અન્યાય સામે ઉભા રહેવા અને શિક્ષણ કે સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા, આ બધું શ્રેયસ ફિલસૂફીના તેમના જીવન પરના પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.
હજુ આજે પણ દેવેન્દ્રભાઈ શ્રેયસ તથા તેનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય શ્રેયસ એલમ્નIઈ નેટવર્ક સાથે સક્રિય રીતે જોડાયેલા છે. – તેમના મતે શ્રેયસ માત્ર શાળા નથી પરંતુ એવી કર્મભૂમિ છે જ્યાં શૈક્ષણિક અને માનવીય મૂલ્યો નો અદ્દભુત સમન્વય છે,જ્યાં મિત્રો સાથેના જીવનભરના અતૂટ સંબંધોનો મજબૂત સેતુ છે, અને જ્યાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ નો સમૃદ્ધ વારસો છે.
શ્રી દેવેન્દ્રભાઈ ના વિચારો,વાણી અને લેખનમાં માનવીય મૂલ્યો ના સંવર્ધન પ્રત્યેની તેમની અડગ પ્રતિબધ્ધતામાં શ્રેયસ ની સ્પષ્ટ છાપ દેખાય છે. તેમનું સમગ્ર જીવન માત્ર વ્યક્તિગત સફળતા નું જ સાક્ષી છે તેવું નથી પણ શ્રેયસનો નૂતન દ્રષ્ટિકોણ, ક્રાંતિકારી અભિગમ અને હૃદયસ્પર્શી શિક્ષણ ની જીવંત ઝાંખી પણ છે.